મોરબીમાં ગાડીના ભાડાની ચૂકવણીને લઈ લખધીરપુર રોડ ઉપર આવેલ સિરામિક ફેક્ટરી ખાતે થાર ચાલકે હંગામો મચાવ્યો હતો. આરોપીએ ફેક્ટરીના પાર્કિંગમાં ગાડી ઘુસાડી અન્ય વાહનને નુકસાન પહોંચાડી, જાનથી મારી નાખવાના ઈરાદે સુપરવાઈઝર પર ગાડી ચડાવતાં તેમને પણ ઈજા પહોંચાડી હતી. ત્યારે સમગ્ર ઘટનાને લઈ મોરબી તાલુકા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ સીરામીક કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવતા, તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર આવેલી લેક્સસ ગ્રેનેટો ઈન્ડિયા લિમિટેડ ફેક્ટરીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ફરીયાદી યશપાલસીંગ સર્વેસકુમાર શ્રીવાસ્તવ ઉવ.૩૨એ આરોપી થાર કાર ચાલક અમરભાઈ મનજીભાઈ રબારી વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, તા.૨૩/૧૨/૨૦૨૫ના રોજ સાંજના સમયે ફેક્ટરીમાં ઉપરોક્ત આરોપી પોતાની થાર લઈને ગાડીના ભાડાની રકમ માંગવા આવ્યો હતો. ત્યારે ફરીયાદીને ગાળો આપી આરોપીએ પોતાની મહિન્દ્રા થાર ગાડી ફેક્ટરીના ગેટમાંથી અંદર લઈ જઈ પાર્કિંગમાં ઉભેલી ફેક્ટરીના ભાગીદાર અનિલભાઈની ઇનોવા કારને બે વખત અડફેટે લઈ આશરે રૂ.૪ લાખ જેટલું નુકસાન કર્યું હતું. ત્યારબાદ આરોપીએ ગેટ ઉપર ઉભેલા જનરલ સુપરવાઈઝર ભાઈરામભાઈ જોષી ઉપર મારી નાખવાના ઇરાદે તેના ઉપર ગાડી ચડાવી શરીરે મૂંઢ ઇજા પહોંચાડી આરોપી સ્થળ પરથી નાસી ગયો હતો. હાલ સમગ્ર બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા આ મામલે આરોપી સામે બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.









