સ્થાપનાના એક વર્ષ પૂર્ણ થતાં MMC દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખી વિવિધ જનહિતકારી કાર્યક્રમોનું આયોજન.
મોરબી મહાનગરપાલિકાએ પોતાની સ્થાપનાના સફળ એક વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘મોરબી કોર્પોરેશન ડે’ ઉજવણી સપ્તાહની શરૂઆત કરી છે. આ ઉજવણી અંતર્ગત શહેરમાં વ્યાપક પાયે વૃક્ષારોપણ કરી ૫૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે સાથે મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા માનવ જીવન બચાવવાના ઉદ્દેશ્યથી રક્તદાન કેમ્પ યોજાયો હતો. ઉજવણીના ભાગરૂપે અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ તમામ કાર્યક્રમો દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સામાજિક જવાબદારી અને કર્મચારીઓની સુખાકારીનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો.
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા ‘મોરબી કોર્પોરેશન ડે’ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ દિવસ ઉજવાયો હતો. આ દરમિયાન મહાનગરપાલિકાની મુખ્ય બિલ્ડિંગ તેમજ શહેરની વિવિધ ક્લસ્ટર ઓફિસોમાં અંદાજે ૫૫૦થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. આ અભિયાનથી શહેરની હરિયાળી વધશે તેમજ પ્રદૂષણ ઘટાડીને ઓક્સિજનનું પ્રમાણ વધારવામાં મદદ મળશે.
ઉજવણી સપ્તાહ દરમિયાન તા. ૨૪થી ૩૧ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાન કેમ્પનું વિશેષ મહત્વ રહ્યું હતું. ગઈકાલે તા. ૨૪ના રોજ સાંજે સરદારબાગ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં મહાપાલિકાના કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રક્તદાન કરનાર તમામ કર્મચારીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા અને સમાજમાં માનવ જીવન બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત અધિકારીઓ અને કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. મેઈન બિલ્ડિંગ ખાતે યુપીએચસી ગોકુલનગર ટીમ દ્વારા ૧૫૦થી વધુ કર્મચારીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓ સ્ટ્રેસ ફ્રી અને સ્વસ્થ જીવન જીવે તે રહ્યો હતો.
આ તમામ કાર્યક્રમોમાં મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









