માળીયા(મી) તાલુકાના ફતેપર ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા એક ઈસમને પોલીસે ઝડપી લીધો છે. રેઇડની કાર્યવાહી દરમિયાન રૂ.૩૬,૧૦,૯૨૩/-નો મુદ્દામાલ જપ્ત કરી માળીયા(મી) પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ડીઝલ ચોરી તથા ઘરફોડ ચોરી જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અનુસંધાને માળીયા(મી) પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.કે. દરબારના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ સક્રિય હોય તે દરમ્યાન બાતમી મળી હતી કે ફતેપર ગામના ખરાવાડ વિસ્તારમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ડીઝલ ચોરી કરી તેનું વેચાણ કરે છે. આ માહિતીના આધારે પોલીસ દ્વારા રેઇડ હાથ ધરવામાં આવી હતી, જેમાં ટેન્કર નં. જીજે-૦૩-બીવાય-૬૬૦૧માંથી ડીઝલ ચોરી કરવાનો પ્રયાસ કરતા આરોપી દિલીપભાઇ વરજાગભાઇ વિરડા ઉવ.૩૯ રહે. ફતેપર ગામ વાળાને ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાના સાધનો સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. આ સાથે પોલીસે ટેન્કર કિ.રૂ.૧૫ લાખ તથા તેમાં ભરેલ ૨૪,૦૦૦ લીટર ડીઝલ કિં.રૂ.૨૧,૧૦,૯૨૩/- સહિત કુલ રૂ. ૩૬,૧૦,૯૨૩/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









