મોરબી સ્થિત સાર્થક વિદ્યામંદિરમાં તા. ૨૫/૧૨/૨૦૨૫, ગુરુવારે દસમા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તુલસીનું વૈજ્ઞાનિક મહત્વ રજૂ કરી સમાજસેવામાં યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરાયું હતું.
મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં દસમા તુલસી દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તુલસીના રોપા તથા માંજરનું વિતરણ કરવામાં આવ્યું તેમજ વિવિધ ઓર્ગેનિક અને આયુર્વેદિક વસ્તુઓનું રાહત દરે વેચાણ અને માહિતી પ્રદર્શની યોજાઈ હતી. આ સાથે શાળામાં ચાલતા વિવિધ કંઠસ્થીકરણ પ્રકલ્પોની કૃતિઓ તેમજ સમાજ જાગૃતિ માટે શિક્ષકો દ્વારા રજૂ કરાયેલી કૃતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. કાર્યક્રમ દરમિયાન તુલસીના વૈજ્ઞાનિક અને આયુર્વેદિક મહત્વ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. દર વર્ષની પરંપરા મુજબ તુલસી પૂજન અને તુલસી સન્માન યોજાઈ, જેમાં સ્વચ્છતા, સલામતી, સેવા, શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યરત વ્યક્તિઓ તથા સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વર્ષે શહીદ જવાન ગણેશભાઈ મનસુખભાઈ પરમારના પરિવાર, નીતાબેન પટેલ, મયુર હોસ્પિટલના પ્રતિનિધિ બારોટ સાહેબ, ફાયર સેફ્ટી એન્ડ ઇમરજન્સી સર્વિસના દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી નગરપાલિકાના પ્રતિનિધિ અનુરાગભાઈ સંતોકી તથા શિક્ષણ ક્ષેત્રે દીપાબેન કોટેચાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા બદલ શાળાના સંચાલક કિશોર ગુરુજીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન HR વિવેક ગુરુજી અને સન્માન કાર્યક્રમનું સંચાલન માનસેતા સાહેબે કર્યું હતું તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.









