વાંકાનેર શહેર વિસ્તારમાં ટાઉનહોલની ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી અર્ટીગા કારમાંથી મોરબી એસ.ઓ.જી. પોલીસે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કારમાં બેઠેલા બે ઈસમોને ગાંજા, કાર, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ. ૧૦.૭૨ લાખના મુદામાલ સાથે ઝડપી લેવાયા છે. આરોપીઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાવી એસઓજી પોલીસે આગળની તપાસ હાથ ધરી.
મોરબી એસ.ઓ.જી. પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે વાંકાનેર શહેરમાં પુલ દરવાજા પાસે ટાઉનહોલની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એક મારૂતિ અર્ટીગા કાર રજી.નં. જીજે-૧૪-ડીએન-૩૮૦૪ પાર્ક કરેલી છે, જેના પાછળના કાચ ઉપર અંગ્રેજીમાં “RONAK” લખેલું છે અને તેમાં બે ઈસમો ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બેઠા છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે જણાવેલ સ્થળે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ૦૭ કિલો ૧૮૩ ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ.૩,૫૯,૧૫૦/- થાય છે, તેમજ મારૂતિ કંપનીની અર્ટીગા કાર કિ.રૂ. ૭,૦૦,૦૦૦/-, મોબાઇલ ફોન નંગ-૨ કિંમત રૂ. ૧૦,૦૦૦/- અને રોકડ રૂ. ૩,૫૦૦/- મળી કુલ રૂ. ૧૦,૭૨,૬૫૦/-નો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી લલીતભાઈ ઉર્ફે લક્કી હેમંતભાઈ ધામેચા અને વિજયભાઈ સાગરભાઈ સારલા નામના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ કલમ હેઠળ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









