મહિલા સહિત આઠ આરોપીઓ સામે મોરબી પોલીસ મથકે ગુનો નોંધાયો
મોરબી શહેરના એક પ્રૌઢ ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી આરોપીઓએ રૂ. ૫૩.૫૦ લાખ પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ પ્રકરણમાં મુખ્ય મહિલા આરોપી ખુશીબેન પટેલ સહિત કુલ ૮ વ્યક્તિઓની સંડોવણી બહાર આવી છે. વિવિધ જગ્યાએ રહેતા આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી ખેડૂત પાસેથી સોનાનો ચેઇન, સોનાના ચાર બિસ્કિટ તથા રોકડ રકમ ધાક ધમકી, મારકુટ, અપહરણ કરી પડાવી લીધા હતા. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભોગ બનનાર ખેડૂતની ફરિયાદને આધારે મોરબી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મોરબી શહેરમાં રહેતા પ્રૌઢ ખેડૂત પૂર્વ આયોજિત હનીટ્રેપના શિકાર બન્યા હતા. જે બાબતે ખેડૂત એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ખુશીબેન પટેલ રહે.ગોંડલ, મુકેશભાઈ આલ રહે.સુદામડા બોટાદ, રામાભાઈ હાડગડા રહે.નાગલપર બોટાદ, જીલાભાઈ ભરવાડ રહે. બોટાદ, મનીષભાઈ ગારીયા રહે.બોટાદ, પાંચાભાઈ કોળી રહે. તીથવા તા. વાંકાનેર, કરણભાઈ ઉર્ફે કે.કે.વરૂ રહે. વાંકાનેર, દેવાંગ વેલાણી કોળી રહે. બોટાદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ, ફરીયાદીને તેમની વાડીએ મજુરની જરૂર હોય જેથી આરોપી પાંચાભાઈ કોળીને વાત કરતા આરોપીઓએ કાવત્રુ રચી, આરોપી પાંચાભાઈએ મહિલા આરોપી ખુશીબેનનો ફરીયાદી ભરતભાઇને કોન્ટેક કરાવી આપતા, આ આરોપી ખુશીબેન ફરીયાદીની વાડીએ મજુરી માટે તેમની વાડીએ આવ્યા હતા. ત્યારે આરોપી ખુશીબેને પોતાના કપડાં કાઢી ફરિયાદી ભરતભાઈને બથ ભરી લીધી હતી તે સમયે અન્ય તમામ આરોપીઓએ વાડીએ આવી ગયા અને ફોટા તેમજ વિડીઓ ઉતારી લીધા હતા. જે બાદ ફરીયાદી સાથે મારકુટ કરી તેઓને છેડતી, બળાત્કારની ફરીયાદની ખોટી ધમકી આપી ફરીયાદીને લાફા મારી તેમની પાસે એક કરોડ ચૌદ લાખની માંગણી કરી હતી. તે પૈકી ફરીયાદી પાસેથી ૧૦૦-૧૦૦ ગ્રામના ૪-સોનાના બીસ્કીટ કિ.રૂ.૫૦,૦૦,૦૦૦/- તથા સોનાનો અઢી તોલાનો ચેઇન કિ.રૂ.૨,૫૦,૦૦૦/- તથા રોકડા રૂ. ૧,૦૦,૦૦૦/- ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી કુલ મુદામાલ રૂ.૫૩,૫૦,૦૦૦/- બળજબરી પુર્વક કઢાવી લીધા હતા. જેના થોડા દિવસો બાદ અન્ય ત્રણ આરોપીઓ ભરતભાઈને તેમની વાડીએથી અપહરણ કરી લઇ જઇ ગોંધી રાખી તેમને અને તેમના પરિવારને મારી નાખવાની ધમકીઓ આપી વધુ રૂપિયાની માંગણી કરી હતી.હાલ પોલીસે મહિલા સહિત તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









