૮માંથી ૫ આરોપીની ધરપકડ, મહિલા સહિત ૩ આરોપી ફરાર, સોનાના બિસ્કિટ,ચેઇન-વાહનો સહિત રૂ.૫૧ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
મોરબીના ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા અને સોનાની લૂંટ કરનાર ટોળકી સામે સીટી એ ડિવિઝન પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં ૮ પૈકી ૫ આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લીધા છે. આ સાથે આરોપીઓ પાસેથી સોનાના બિસ્કીટ, સોનાનો ચેઇન, કાર, બાઈક અને મોબાઇલ મળી કુલ રૂ.૫૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. મુખ્ય મહિલા આરોપી સહિત ૩ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહિલા આરોપી સામે અગાઉ પણ જસદણ પોલીસ મથકમાં હનીટ્રેપનો ગુનો નોંધાયેલ છે.
મળતી માહિતી મુજબ, ગત તા.૨૫/૧૨/૨૦૨૫ના રોજ હનીટ્રેપનો ભોગ બનેલા ખેડૂતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ વાડીએ મજૂરની જરૂર હોવાના બહાને આરોપી પાંચાભાઇ માણસુરીયાએ સાગરિતો સાથે મળીને ષડયંત્ર રચ્યું હતું. આરોપી મહિલાને મજૂરીના બહાને વાડીએ મોકલીને ફરીયાદી સાથે સંપર્ક સાધવામાં આવ્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ વાડીએ આવી ખેડૂત અને આરોપી મહિલાના વાંધાજનક ફોટા-વિડિયો ઉતારી ખોટી ફરિયાદ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ એક કરોડ અગ્યાર લાખની માંગણી કરી હતી અને તેમાંના રૂ.૫૦ લાખના ચાર સોનાના બિસ્કીટ, અઢી તોલાનો સોનાનો ચેઇન તથા રોકડા રૂપિયા સહિત રૂ.૫૩,૫૦,૦૦૦/- ની માલમત્તા બળજબરીપૂર્વક કઢાવ્યા હતા. જે બાદ વધુ રૂપિયા કઢાવવા માટે ફરીયાદીનું અપહરણ કરી ગોંધી રાખ્યા હોવાની ફરિયાદને આધારે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી મહિલા સહિત આઠ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી હતી.
ઉપરોક્ત ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક મુકેશકુમાર પટેલની સૂચના અને ઇન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક વી.બી. દલવાડીના માર્ગદર્શન હેઠળ આરોપીઓ વિરુદ્ધ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાનગી બાતમીદારો અને ટેકનિકલ સોર્સના આધારે આરોપી (૧)જીલુભાઇ વિહાભાઇ પરસાડિયા રહે-પાળીયાદ ગામ તુરખા રોડ જુના પોલીસ સ્ટેશન પાછળ તા.જી.બોટાદ, (૨)મુકેશભાઇ મફાભાઇ આલ રહે.દશામાતાજીના મંદીર પાસે સુદામડા ગામ તા.સાયલા જી.સુરેન્દ્રનગર, (૩)કરણભાઇ દેવરાજભાઈ વરૂ રહે.નવા બસ્ટેશન પાછળ ભરવાડપરા વાકાનેર જી.મોરબી, (૪)પાંચાભાઇ કાનજીભાઇ માણસુરીયા રહે- તીથવા ગામ તા.વાંકાનેર જી.મોરબી, (૫)દેવાંગભાઇ હરજીભાઇ વેલાણી રહે આનંદધામ સોસાયટી ગેઇટ નં-૨ ગઢડા રોડ બોટાદ એમ પાંચ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી ત્રણ સોનાના બિસ્કીટ, સોનાનો ચેઇન, બે કાર, એક એક્સેસ બાઈક અને ૬ મોબાઇલ સહિત કુલ રૂ.૫૧,૧૧,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે નોંધાયેલ ફરિયાદના ત્રણ આરોપી મનીષભાઇ ગારીયા રહે.રતનપર બોટાદ, રમેશ ઉર્ફે રામાભાઇ હાડગડા રહે.નાગલપર બોટાદ તથા મુખ્ય મહીલા આરોપી પકડવા પર બાકી હોય તેને પકડી લેવા પોલીસ દ્વારા તપાસની તજવીજ ચાલુ છે.
વધુમાં, આ હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલ ટોળકીની મુખ્ય મહિલા આરોપી તેમજ આરોપી જીલુભાઇ વિહાભાઇ પરસાડિયા તથા દેવાંગભાઇ હરજીભાઇ વેલાણી ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે, જ્યારે મહિલા આરોપી સામે વર્ષ ૨૦૨૪ માં જસદણ પોલીસ મથકમાં હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો.









