આપણે સૌ ભારતીય આદર્શ નાગરિક બનીને અંતરઆત્માને વફાદાર રહીએ તો એ પણ એક મોટી દેશસેવા ગણાય : દેવેન રબારી
મોરબી : શૂન્યમાંથી સર્જન કરીને યંગ ઇન્ડિયા ગ્રુપની સ્થાપના કરી સેવા, સંવેદના અને દેશભાવનાનો અનેરો ત્રિવેણી સંગમ એટલે દેવેનભાઈ રબારી જેનું વ્યક્તિવ દેશ અને સમાજની સેવા માટે નિર્માણ થયું હોય એવી વિચક્ષણ પ્રતિભા જાજો સમય છુપાતી નથી. આવી જ પ્રતિભા એટલે દેવેનભાઈ રબારી કે જેમનામાં કુદરતી જન્મજાત સમાજ અને દેશસેવાના ગુણો હોવાથી શિક્ષણ અને પરિવારના આદર્શ મૂલ્યલ તેમજ સંસ્કારોને ઉજાગર કરી યુવાવયે પોલીસ દળમાં જોડાઈને ખાખીની પ્રતિષ્ઠાને ઉજળી બનાવી હતી. સાથેસાથે તેમના શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારોને જીવનમાં ઉતારી યંગ ઇન્ડિયા ગ્રુપની સ્થાપના કરી અનેકવિધ પ્રવૃત્તિઓથી અવિરતપણે સમાજ અને દેશસેવા કરી રહ્યા છે. આવા સમાજ શ્રેષ્ઠી અને વતન પ્રત્યે ફરજ અદા કરવા જેમનું હૃદય સતત ધબકતું રહે એવા આ દેવેન રબારી પોતાના જન્મદિવસે એટલું જ કહે છે કે,
“જો કોઈના દુઃખના આંસુઓને હર્ષમાં ફેરવી શકીએ, તો સમજવું કે ધરતી પરનો આપણો ફેરો સાચે જ વસૂલ થયો.”
આ વિચાર સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ તેમના જન્મદિવસ નિમિત્તે જીવન, સેવા અને સામાજિક જવાબદારી વિષે વિચારસભર સંદેશ આપ્યો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે સામાન્ય રીતે જન્મદિવસ આવતાં જીવનનું એક વર્ષ ઓછું થયું એવું માનવામાં આવે છે, પરંતુ સાચો પ્રશ્ન એ છે કે આપણે કેટલું જીવ્યા, કેવી રીતે જીવ્યા અને સમાજ માટે કેટલા ઉપયોગી બન્યા. જન્મદિવસ એ માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ આત્મમંથન અને જવાબદારીનો અવસર છે.
તેમણે પ્રસિદ્ધ કવિ કરસદાન માણેકની પંક્તિ “જીવન અંજલિ થાજો”નો ઉલ્લેખ કરતા કહ્યું કે જેમ અગરબત્તી પોતાની જાતને બળાવીને સુગંધ આપે છે, એ જ રીતે માણસે પણ પોતાના જીવન દ્વારા સમાજને સુગંધિત કરવું જોઈએ. આવું જીવન જીવવાથી ભય, ચિંતા અને અસંતોષ જીવનમાં સ્થાન પામતા નથી.
યુવા વયે પ્રબળ દેશભાવનાથી પોલીસ દળમાં જોડાયેલા દેવેનભાઈ રબારીએ ફરજ સાથે સમાજસેવાનો સંકલ્પ લઈ “યંગ ઇન્ડિયા ગ્રુપ”ની સ્થાપના કરી. તેમણે જણાવ્યું કે જો આપણે સરહદ પર લડીને દેશસેવા ન કરી શકીએ, તો પણ એક આદર્શ નાગરિક બનીને દેશસેવા કરવી શક્ય છે. આ જ વિચારધારાને કેન્દ્રમાં રાખીને યંગ ઇન્ડિયા ગ્રુપ કાર્યરત છે.
આજના ભાગદોડભર્યા જીવનમાં પરિવાર અને સમાજ માટે સમય કાઢવો મુશ્કેલ બન્યો છે, પરંતુ ઉત્સવો જેવા પ્રસંગોને સેવા સાથે જોડીને સમાજ માટે ઉપયોગી બનાવવાનો પ્રયાસ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે. ગ્રુપ દ્વારા સર્વધર્મ સંમભાવની ભાવનાથી, જાતિ-પંથથી ઉપર ઉઠીને માનવતાને પ્રાધાન્ય આપતાં વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવ્યા છે.
દેવેનભાઈ રબારીએ જણાવ્યું કે યંગ ઇન્ડિયા ગ્રુપના પ્રયાસોથી પ્રેરાઈ આજે મોરબી ઉપરાંત અનેક શહેરોમાં લોકો ઉત્સવોને સેવાભાવ સાથે ઉજવી રહ્યા છે, જે ગૌરવની બાબત છે. તેમણે ઉમેર્યું કે જીવનની સાચી સફળતા પદ, પ્રતિષ્ઠા કે સંપત્તિમાં નથી, પરંતુ આપણે કેટલા લોકોના જીવનમાં આશા, સહારો અને વિશ્વાસ ઉભો કરી શક્યા તેમાં છે.
અંતમાં તેમણે પોતાના જન્મદિવસે સમાજસેવા, સંવેદના અને દેશભાવનાની યાત્રા અવિરત રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.









