ઉધાર આપેલા કરોડો રૂપિયા ન મળતા અને સતત ધમકીથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા.
મોરબી-૨ વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો મામલો સામે આવ્યો છે. સતત હેરાનગતિ અને ભયના માહોલથી કંટાળી યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. આ મામલે મૃતકના બનેવીએ ત્રણ શખ્સો સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, ઉમા ટાઉનશીપ શુભ બી બ્લોક નં.૨૦૧ મોરબી-૨ ખાતે રહેતા મૂળ લક્ષ્મીનગર ગામના હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયાએ બી દિવઉઝન પોલીસ મથકમાં આરોપી આશીશભાઈ રમેશભાઈ પાડલીયા રહે. લક્ષ્મીનગર ગામ તા.જી.મોરબી, હિતેશભાઈ વસુદેવભાઈ દસાડીયા રહે. મોરબી તથા કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવીયા રહે. મોરની પંચાસર રોડ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી હર્ષદભાઈએ પોતાના મિત્ર આરોપી આશીષભાઈ પાડલીયાને ધંધા માટે અલગ અલગ સમયે કુલ રૂ. ૧.૨૬ કરોડ ઉછીના આપ્યા હતા, જે અંગે નોટરી લખાણ અને ચેક પણ લેવામાં આવ્યા હતા. લાંબા સમય બાદ પણ રકમ પરત ન મળતા હર્ષદભાઈ તથા તેમના સાળા વિપુલભાઈએ ઉછીના રૂપિયા પરત આપવા માંગણી કરતા આરોપી આશીષે રૂપિયા આપવાનો ઇનકાર કરી ધમકી આપી હતી. આ દરમિયાન આરોપી આશીષ, તેના સંબંધી આરોપી હિતેષ દસાડિયા તથા આરોપી કમલેશ ઉર્ફે મહેશ માંડવીયાએ મૃતક વિપુલભાઈને પૈસાની માંગણી કરશો તો જાનથી મારી નાખવાની ધમકી અને મૃતક વિપુલભાઇના પરિવારજનોની રેકી કરી અકસ્માત કરાવવાની પણ ધમકી આપવામાં આવી હતી. સતત ધમકી, ખોટી ફરિયાદો અને માનસિક ત્રાસથી કંટાળી ફરિયાદી હર્ષદભાઇના સાળા વિપુલભાઈએ તા. ૧૪/૧૨/૨૦૨૫ના રોજ ઝેરી જંતુનાશક દવા પી લેતા તેમનું સારવાર દરમ્યાન તા. ૨૬/૧૨/૨૦૨૫ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. આ ઘટનાને પગલે મૃતકના બનેવી ફરિયાદી હર્ષદભાઈએ ત્રણેય આરોપીઓ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મરવા મજબૂર કર્યાની ગંભીર ફરિયાદ નોંધાવી છે. હાલ બી ડિવિઝન પોલીસે કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









