હળવદ તાલુકામાં સરકારની જમીનના ખોટા રેવેન્યુ રેકોર્ડ બનાવી કૌભાંડ આચરવાના કેસમાં હળવદ પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે. જમીન કૌભાંડમાં સંડોવાયેલ ૯ આરોપીઓ પૈકી મુખ્ય આરોપી જે પોલીસ પકડથી દૂર હતો તેને ઝડપી લેવામાં હળવદ પોલીસને સફળતા મળી છે. હાલ પોલીસે આરોપીની અટકાયત કરી આ કેસની વધુ કડીઓ જોડવા સઘન પૂછતાછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફથી તા. ૦૮/૧૧/૨૦૨૫ના રોજ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોની સરકારની જમીનના રેવેન્યુ રેકોર્ડ ખોટા બનાવી આશરે ૩૦૦ વિઘા જમીન પોતાના નામે કરાવી લીધાનો ગુનો દાખલ થયો હતો. આ ગંભીર જમીન કૌભાંડમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ દ્વારા બાકી રહેલા આરોપીઓને ઝડપવા અલગ-અલગ ટીમો રચી સતત તપાસ અને બાતમી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જમીન કૌભાંડના મુખ્ય આરોપી રમેશ બબાભાઇ સાંકરીયા રહે. ગામ કોયબા તા. હળવદ વાળાને પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૧૨૦(બી) અને ૩૪ મુજબ ગુનો નોંધાયેલ છે. આરોપીની ધરપકડ બાદ હળવદ પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









