ગ્રુપના મેન્ટોર ડો.દેવેનભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન : તજજ્ઞ વક્તા ડો. જિગર ઈમાનદારે વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું, સંગીત સંધ્યા પણ યોજાઈ
મોરબી : મોરબીમાં વિવિધ સેવાકાર્યો માટે જાણીતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના પાયાના પથ્થર અને મેન્ટોર તરીકે કાર્યરત ડો.દેવેનભાઈ રબારીના જન્મદિવસ નિમિત્તે સ્કાય મોલ ખાતેના તુલીપ બેન્ક્વેટ હોલમાં પારિવારિક મિલન તથા ‘અમૃતમંથન’ બૌદ્ધિક પર્વ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને મોરબીના અનેક અગ્રણીઓ અને મોરબીની થીંક ટેન્ક ગણાતા બુદ્ધિજીવીઓએ મનભરીને માણ્યો હતો. કાર્યક્રમમાં જાણીતા વકતા ડો. જિગરભાઈ ઈમાનદારએ ખાસ વક્તવ્ય આપ્યું હતું. જેમાં તેઓએ કહ્યુ હતુ કે આપણે બીજા માટે તો ઘણા કાર્ય કરતા હોઈએ છીએ. આપણા માટે પણ કાર્ય કરવું જોઈએ. જેમ કે સત્ય બોલવું, કર્તવ્ય નિભાવવું. દિવસ દરમિયાન શુ ખોટું કર્યું તેનું રાત્રીના સમયે મંથન કરવુ. બીજા દિવસે તે ન થાય તેનું ધ્યાન રાખવું. તમામ લોકો ઈમાનદારી અને ખંતપૂર્વક કાર્ય કરશે તો ચોક્કસ આપણો દેશ નવી ઊંચાઈએ પહોંચશે.
ડો.દેવેનભાઇ રબારીએ જણાવ્યું કે જીવન એક એવું રહસ્યમય ખજાનો છે, જેમાં અસંખ્ય અણકહ્યા રહસ્યો છુપાયેલા છે. ક્યારે શું બનશે, ક્યાં વળાંક આવશે—તે કોઈને ખબર નથી. એટલે જ શીખવાનું એટલું જ છે કે આ પળને પકડીને જીવતા શીખીએ. જે દુખદ ક્ષણો અને પરિસ્થિતિઓ અફર છે, તેને બદલી શકતા ન હોઈએ—પણ તેને હળવી જરૂર બનાવી શકીએ. મારા માટે સફળતા કરતા સંઘર્ષ વધારે મહત્વનો રહ્યો છે. કારણ કે સંઘર્ષ એક યાત્રા છે -સફળતા તો ફક્ત એક સ્ટેશન. અને સ્ટેશન પર પહોંચ્યા પછી, અંતે રિક્ષામાં બેસીને ઘર તરફ જ તો જવાનું હોય છે! એટલે જ અનેક સંઘર્ષો સાથે મને વિશેષ લગાવ રહ્યો છે—કારણ કે એ જ મને ઘડ્યા છે, સંવર્ધિત કર્યા છે અને સાચો અર્થ સમજાવ્યો છે. મારા જન્મદિવસ નિમિત્તે આપ સૌએ જે અપાર પ્રેમ, સ્નેહ અને શુભકામનાઓ આપી, એ બદલ હું હૃદયપૂર્વક આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું.
આ વક્તવ્ય બાદ સંગીત સંધ્યા યોજાઈ હતી. ત્યારબાદ ભોજન લઈ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.













