મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ પર પુરઝડપે આવતા ટ્રકે મોપેડને પાછળથી ટક્કર મારતા પ્રૌઢનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતમાં મોપેડ ચાલકનું માથું ટ્રકના પાછળના ટાયરના જોટ્ટામાં આવી જતા છૂંદાઈ ગયું હતું. સમગ્ર અકસ્માતના બનાવમાં મૃતકના ભત્રીજાની ફરિયાદના આધારે સીટી એ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
મોરબી શહેરના રવાપર રોડ અનુપમ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મગનભાઈ ફુલતરીયા ઉવ.૫૭ કે જેઓ લક્ષ્મીનગર ગામ સામે ભાગ્યલક્ષ્મી હોટલ ચલાવતા હોય ત્યારે ગઈકાલ તા.૨૯/૧૨ ના રોજ સુરેશભાઈ મોરબી તરફથી દલવાડી સર્કલ પોતાના ઈલેક્ટ્રીક મેગ્નસ સ્કુટર રજી. નં. જીજે-૩૬-એડી-૫૪૦૪માં જઈ રહ્યા હોય તે દરમિયાન કંડલા બાયપાસ રોડ પર કામધેનુ પાર્ટીપ્લોટ સામે, ઈંદ્રપ્રસ્થ સોસાયટીના ગેટ પાસે, અશોક લેલેન ટ્રક રજી.નં. જીજે-૦૩-બીવાય-૧૨૯૭ ના ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને આવી સુરેશભાઈના મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના કારણે સ્કુટર ચાલક સુરેશભાઈ નીચે પટકાતા તેમનું માથું ટ્રકના પાછળના ટાયરના જોટ્ટામાં આવી જતા ગંભીર ઈજા થવાથી તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ત્યારે અકસ્માતને પગલે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. અને મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ મૃતક સુરેશભાઈના ભત્રીજા યશભાઈ દીપકભાઈ ફુલતરીયાની ફરિયાદને આધારે પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









