ખેતરે પરિવાર સહિત કામે ગયા તે સમયે જાણભેદુ ચોરો તાળા ખોલી સોના-ચાંદીના દાગીનાઓ ઉઠાવી ગયા.
હળવદ તાલુકાના સાપકડા ગામે ખેડૂતના બંધ મકાનમાંથી જાણભેદુ શખ્સે સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પરિવાર ખેતરે ખેતી કામે ગયેલો ત્યારે દિવસ દરમિયાન મકાનના તાળા ખોલી તિજોરીમાંથી કુલ રૂ. ૫૦ હજારની માલમત્તા ઉઠાવી ગયા હોવાનું સામે આવ્યું છે. હાલ હળવદ પોલીસે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતા ખેડૂત લક્ષમણભાઈ રતુભાઈ જાંબુકિયાએ હળવદ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૭/૧૨ના રોજ તેઓ પત્ની તથા સંતાનો સાથે ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ ખેતી કામ માટે ગયા હતા. તે સમયે મકાનના મુખ્ય દરવાજા સહિત તમામ દરવાજાઓ પર તાળા મારેલા હતા. સાંજના સાડા પાંચ વાગ્યે ઘરે પરત ફરતા અંદર રૂમમાં રાખેલી લોખંડની તિજોરી ખુલ્લી હાલતમાં મળી આવી હતી અને સામાન વેરવિખેર પડેલો હતો. તિજોરી તપાસતા તેમાં રાખેલા ૧ કિલો ચાંદીના દાગીના જેમાં તૂટેલી સાંકળો, ઝાંઝરી, કંદોરા તેમજ ૫થી ૬ ગ્રામ સોનાના દાગીના જેની કુલ કિંમત અંદાજે રૂ. ૫૦ હજાર મળી આવ્યા ન હતા. મકાન અને અંદરના રૂમની ચાવીઓ ઘરની આસપાસ જ સંતાડીને રાખેલી હોવાથી જાણભેદુ વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે હળવદ પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









