મોરબી મહાનગરપાલિકાના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરની શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ શૈક્ષણિક મુલાકાત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં નાગરિક જાગૃતિ અને મનપાની કાર્યપદ્ધતિ અંગે પ્રત્યક્ષ અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કુલ ૯ શાળાના ૧૩૫ વિદ્યાર્થીઓએ મનપાની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી.
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની શાળાના વિદ્યાર્થીઓ માત્ર પાઠ્યપુસ્તક જ્ઞાન સુધી સીમિત ન રહે પરંતુ તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિશેષ શૈક્ષણિક મુલાકાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. MMC@1 ઉજવણી અંતર્ગત ગાંધી ચોક સ્થિત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે આ મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોરબી શહેરની કુલ ૯ શાળાઓના દરેકમાંથી ૧૫ વિદ્યાર્થીઓ એમ કુલ ૧૩૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ કમિશનર સ્વપ્નિલ ખરે સાથે બ્રિજની કામગીરીની સાઈટ વિઝીટ પર ગયા હતા, જ્યાં તેમને મહાનગરપાલિકા બન્યા બાદ થતા વિકાસકાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને ટેક્સ, ઇલેક્ટ્રીક, ગાર્ડન, પ્રોજેક્ટ & પ્લાનિંગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના વિભાગોની કામગીરી વિશે પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતે યોજાયેલા પ્રશ્નોતરી સત્રમાં વિદ્યાર્થીઓએ ટ્રાફિક, કમ્પ્લેન સિસ્ટમ, લીગલ બાબતો સહિતના પ્રશ્નો પૂછ્યા, જેના નિવારણ માટે નાયબ કમિશનરે મનપાની કાર્યશૈલી સમજાવી હતી. આ શૈક્ષણિક સેશનમાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા તથા નાયબ કમિશનર સંજય સોની ઉપસ્થિત રહ્યા હતા.









