મોરબી મહાનગરપાલિકા દ્વારા MMC@1 ઉજવણી સપ્તાહ અંતર્ગત આજે તા.૩૦/૧૨ના રોજ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સવારે “A Day With Commissioner” કાર્યક્રમ હેઠળ શાળાના બાળકોને મહાનગરપાલિકાની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ અપાશે. જ્યારે બપોરે યુવાનો માટે કરિયર ગાઈડન્સ અને સિવિલ સર્વિસિસ માર્ગદર્શન સત્ર યોજાશે. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને યુવાનોને જાગૃતિ અને પ્રેરણા આપવાનો છે.
મોરબીમાં MMC@1 સપ્તાહની ઉજવણી અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા વિવિધ જનહિતકારી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે આજે તા.૩૦/૧૨ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે “A Day With Commissioner” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત શહેરની વિવિધ શાળાના બાળકો MMCના કમિશનર સ્વપ્નિલ ખરે સાથે જોડાઈ મહાનગરપાલિકાની દૈનિક કામગીરી, મીટિંગ્સ અને સાઇટ વિઝીટનો અનુભવ કરશે, જેથી બાળકોને ભવિષ્યમાં સિવિલ સર્વિસિસમાં જોડાવાની પ્રેરણા મળે. આ ઉપરાંત MMC@1 ઉજવણીના ભાગરૂપે આજે જ બપોરે ૩ થી ૫ વાગ્યા દરમિયાન સનાળા રોડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ કન્યાશાળા ખાતે યુવાનો માટે કરિયર ગાઈડન્સ સત્રનું આયોજન કરાયું છે. આ સત્રમાં કમિશનર સ્વપ્નિલ ખરે સહિત નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા, નાયબ કમિશનર સંજય સોની, હેલ્થ ઓફિસર રાહુલભાઈ કોટડીયા, ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા, ટીપીઓ સહિતના અધિકારીઓ યુવાનોને માર્ગદર્શન આપશે અને UPSC સહિતની સિવિલ સર્વિસિસ પરીક્ષાઓ અંગે માહિતી અને પોતાના અનુભવો શેર કરશે.









