મોરબી તાલુકાના લખધીરપુર ગામે કઝારીયા સીરામીક કંપનીમાં ફોર્ક લિફ્ટ લોડર વાહનની ઠોકરે ઝાડુ મારી રહેલ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેમાં શ્રમિક મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે ટૂંકી સારવારમાં શ્રમિક મહિલાએ દમ તોડ્યો હતો. ત્યારે અકસ્માતના બનાવ અંગે મૃતકના પતિની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના લખધીરપુર ગામની સીમમાં આવેલ કઝારીયા વિટ્રીફાઇડ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆ જીલ્લાના અંતરવેલીયા ગામના રહેવાસી કમેશ ભગા ગમાર ઉવ.૨૬ એ મોરબી તાલુકા પોલીસ સમક્ષ કંપનીની ફોર્ક લિફ્ટ લોડર વાહન રજી.નં. જીજે-૧૨-બીજે-૮૬૮૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા.૨૮/૧૨ ના રોજ તેમની પત્ની પપીતા અને બહેન રેખા કઝારીયા વિટ્રીફાઇડ કંપનીની પોલીસિંગ લાઇન-૨ પાસે ઝાડુ મારવાનું કામ કરી રહ્યા હોય તે દરમિયાન ટાઇલ્સ ઉપાડવાની ફોર-કલીપના ચાલકે પોતાના હવાલા વાળું વાહન પુર ઝડપે અને બેદરકારીથી ચલાવી આવી, પપીતાબેનને હડફેટે લેતા તેણીને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોચી હતી, જે અકસ્માત બાદ તુરંત તેણીને કંપનીની એમબ્યુલન્સ મારફત સમર્પણ હોસ્પિટલ ખાતે લાવતા જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે સારવાર દરમિયાન પપીતાબેનને મરણ ગયાનું જાહેર કર્યું હતું. હાલ તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









