સામખીયારીના ટ્રાન્સપોર્ટર ટ્રક-માલિકની ફરિયાદના આધારે ફરાર ડ્રાઈવર સામે ગુનો નોંધાયો.
માળીયા(મી)ની ભીમસર ચોકડી નજીક સામખીયારી સ્થિત ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઈવરે ટ્રક રેઢો મૂકીને ફરાર થવાનો બનાવ સામે આવ્યો છે. ફરાર ડ્રાઇવર ટ્રકમાંથી સાધન સામગ્રી, સ્પેર વ્હીલ અને ૨૫૦ લીટર ડીઝલ સહિત રૂ.૬૬,૧૫૦/-ની માલમત્તાની ચોરી કર્યાનું બહાર આવ્યું છે. હાલ ટ્રાન્સપોર્ટર ટ્રક-માલીકે ચોરીના બનાવ અંગે માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી પંજાબ રાજ્યના ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છ જીલ્લાના સામખીયારી ગામે ઓમ બંગલો બાંગ્લા નંબર ૫ જંગી રોડ વિસ્તારમાં રહેતા ટ્રાન્સપોર્ટર મીતુલભાઈ ભરતભાઈ અયાચી ઉવ.૪૭એ આરોપી સાજનસિંગ પલવિંદરસિંગ રહે. સહનેવાલી ગાવ પોસ્ટ જી.અમૃતસર પંજાબ વાળા સામે માળીયા(મી) પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, તેઓ છેલ્લા ૨૫ વર્ષથી સામખીયારી-મોરબી હાઇવે પર અંજની રોડ લાઇન્સ નામે ટ્રક ટ્રાન્સપોર્ટ ચલાવે છે, ત્યારે ગઈ તા.૦૨/૧૧/૨૦૨૫ના રોજ ટ્રક નં. જીજે-૧૨-બીવાય-૪૮૬૬માં ઇલેક્ટ્રોથર્મ કંપનીનો આશરે ૫૬ ટન લોખંડના બીલેટનો માલ ભરી અમદાવાદ ઓઢવ જવા માટે આરોપી ડ્રાઈવર સાજનસીંગ પલવીંદરસીંગને રવાના કરાયો હતો. GPS મોનિટરિંગ દરમિયાન ટ્રક સામખીયારી નજીક સિકારપુર પાસે તથા બાદમાં માળીયા નજીક ભીમસર ચોકડી પાસે હોલ્ટ થયાનું જણાયું હતું. તપાસમાં ટ્રક લોક હાલતમાં મળી આવી હતી પરંતુ ડ્રાઈવર સાજનસિંગ ફરાર હતો. જે બાદ ટ્રકમાં ચેક કરતા, ટ્રકમાંથી ૧૬ ડી સર્કલ, લોખંડની ચેન, બાટલા, ખુટલા, બેલ્ટ, તીરપાલ, સ્પેર વ્હીલ તેમજ ૨૫૦ લીટર ડીઝલ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું. ચોરી ગયેલ સામગ્રી અને ડીઝલની કુલ કિંમત રૂ.૬૬,૧૫૦ થતી હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલ માળીયા(મી) પોલીસે ફરાર ટેકના ડ્રાઇવર વિરુદ્ધ ચોરીની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









