મોરબી સેસન્સ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે, જેમા માળીયા(મી) તાલુકાના રોહિશાળા ગામે વર્ષ ૨૦૨૩માં ખેત-શ્રમિક દ્વારા ખેતર-માલીકની હત્યાના કેસમાં કોર્ટે મુખ્ય આરોપી શ્રમિકને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે આરોપીની પત્નીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવી છે.
મોરબી જીલ્લાના માળીયા(મી)ના રોહિશાળા ગામમાં બે વર્ષ અગાઉ ખેતર-માલીકની હત્યા મામલે રોહિશાળા ગામના ચંદુભાઈ કાલરીયાએ તા.૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના ભાઈ પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયાની હત્યા કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી પરેશભાઈના ખેતરમાં કામ કરતા શ્રમિક રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બંધેલ તથા તેની પત્ની રાજબાઈની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે પરેશભાઈએ આરોપીઓને જમીન વાવવા આપી હતી. આ દરમિયાન પરેશભાઈ દ્વારા રાજબાઈ સમક્ષ અયોગ્ય માંગણીઓ કરવામાં આવતી હોવાના કારણે રાજબાઈએ કામે આવવાનું બંધ કર્યું હતું. ત્યારબાદ પરેશભાઈએ રાકેશને તેની પત્નીને ફરી કામે મોકલવા કહ્યું હતું, જેને લઈને બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઝઘડામાં રાકેશે પાવડા વડે પરેશભાઈના માથા પર હુમલો કરી બાદમાં છરીથી ગળાના ભાગે ઘા મારી તેમની હત્યા કરી હતી અને લાશ ખેતરના શેઢે ફેંકી દીધી હતી.
આ કેસની સુનાવણી મોરબીના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એમ. આર. નાદપરા સાહેબની કોર્ટમાં ચાલી હતી. જ્યાં સરકારી વકીલ સંજય દવે દ્વારા રજૂ કરાયેલા મૌખિક તથા દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય દલીલોના આધારે કોર્ટે આરોપી રાગેશ ઉર્ફે રાકેશ જુવાનસિંગ બંધેલને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે તેની પત્ની રાજબાઈને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.









