મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થતાં MMC@1 ઉજવણી સપ્તાહ અંતર્ગત શનાળા પટેલ સમાજવાડી ખાતે ભવ્ય આતશબાજી યોજાઈ હતી. રૂ.૪.૬૩ લાખના ખર્ચે યોજાયેલા ૪૦ મિનિટના આતશબાજી કાર્યક્રમને મોટી સંખ્યામાં શહેરીજનોએ માણ્યો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ થતાં આ મહત્વપૂર્ણ અવસરને ઉજવવા માટે MMC@1 અંતર્ગત ઉજવણી સપ્તાહ ચાલી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે શનાળા ખાતે આવેલ પટેલ સમાજવાડીના પટાંગણમાં ભવ્ય આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જોવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આ આતશબાજીના કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય સોની, કુલદીપસિંહ વાળા સહિતના મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા પણ હાજર રહ્યા હતા. શહેરીજનોએ આતશબાજીનો કાર્યક્રમ મનભરીને માણ્યો હતો.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે રૂ.૪.૬૩ લાખના ખર્ચે અંદાજે ૪૦ મિનિટનો આતશબાજી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે નવા વર્ષમાં મોરબી શહેરને અનેક વિકાસકાર્યોની ભેટ મળવાની છે. જેમાં વિસીપરા વિસ્તારમાં કોમ્યુનિટી હોલનું કામ ચાલી રહ્યું છે, ચાર નવા અર્બન હેલ્થ સેન્ટરનું કામ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ ઉપરાંત વ્યાયામશાળાને આધુનિક જીમમાં પરિવર્તિત કરવાની કામગીરી ચાલુ છે, સુરજબાગ ખાતે લાયબ્રેરીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તેમજ નાની કેનાલ રોડનું કામ સમયમર્યાદા પહેલા પૂર્ણ થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.









