ફેક્ટરી ગેટ ઉપર ગાડી ભટકાવી જાનથી મારી નાખવાના પ્રયાસનો કેસ, સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય.
મોરબીમાં બાકી ભાડાના રૂપિયા લેવા મામલે ફેક્ટરીમાં ઘુસી થાર ગાડી વડે તોડફોડ કરી અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની કોશિશના આરોપી અમરાભાઈ રબારીના મોરબી સેશન્સ કોર્ટે આગોતરા જામીન મંજૂર કર્યા છે. આરોપી તરફથી એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજાએ મજબૂત દલીલો રજૂ કરી હતી.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં તા. ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ નોંધાયેલ કેસની ટુક વિગત મુજબ, ફરિયાદી લેકસસ ગ્રેનીટો પ્રાઇવેટ લિમિટેડમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા નોંધાવવામાં આવી હતી. જેમાં આરોપી અમરાભાઈ મનજીભાઈ રબારી પોતાની હવાલાવાળી મહેન્દ્રા થાર ગાડી લઈને ફેક્ટરીના ગેટ ઉપર પહોંચ્યો હતો અને ફરિયાદીને ગાળો આપી કહેલું કે “તમારા શેઠ અનિલભાઈને બોલાવો, મારે તેમની પાસેથી ભાડાના રૂપિયા લેવા છે.” બાદમાં આરોપીએ ફેક્ટરીના પાર્કિંગ વિસ્તારમાં પોતાની થાર ગાડી ઘુસાડી શેઠ અનિલભાઈની ઇનોવા કાર સાથે બે વખત જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે ઇનોવા કારમાં આશરે રૂ. ૪ લાખ જેટલું નુકસાન થયું હતું. આ ઉપરાંત આરોપીએ ગેટ તરફ ગાડી લઈ જઈ ત્યાં હાજર સુપરવાઇઝરને જાનથી મારી નાખવાના ઇરાદે ગાડી ભટકાવી હતી અને બાદમાં સ્થળ પરથી નાસી ગયો હતો. આ ઘટનાને પગલે પોલીસ દ્વારા આઇપીસી કલમ ૩૦૭ તથા નવા કાયદા બીએનએસ કલમ ૧૦૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં આરોપી અમરાભાઈ રબારીએ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. આરોપી તરફથી વકીલ તરીકે એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજા રોકાયા હતા. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા તેમ છતાં, બચાવ પક્ષના વકીલ જીતેન્દ્રસિંહ(જીતુભા)એ નામદાર સુપ્રીમ કોર્ટ તથા હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો આપી મજબૂત અને ધારદાર દલીલો રજૂ કરી હતી. ત્યારે તમામ બાબતોનું અવલોકન કર્યા બાદ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આ કામના આરોપી અમરાભાઈ રબારીના આગોતરા જામીન મંજૂર કરવાનો હુકમ કર્યો છે.









