હળવદ જમીન કૌભાંડની તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. બનાવટી હુકમોમાં રાઉન્ડ સિક્કા/સીલ મારવા માટે સહાય કરનાર ધાંગધ્રા પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન બે પટ્ટાવાળાઓને હળવદ પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદ જમીન કૌભાંડના ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવા તેમજ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા હળવદ પોલીસને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને હળવદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ જમીન કૌભાંડના કેસની તપાસ હળવદ પોલીસ મથક પીઆઇ આર.ટી. વ્યાસ દ્વારા કરવામાં આવી રહી છે.
આ ગુનામાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફથી કુલ ૯ આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર તથા સુંદરીભવાની ગામોની સરકારની જમીનના રેવન્યુ રેકોર્ડ ખોટા બનાવી પોતાનાં નામે કરાવી લીધા હોવાનો ગંભીર આરોપ છે. આ કેસમાં મુખ્ય આરોપી રમેશ બબાભાઈ સાંકરીયા રહેવાસી કોયબા તા. હળવદ હાલ પોલીસ રિમાન્ડ ઉપર છે. તેની પૂછપરછ દરમિયાન ખોટા રેવન્યુ રેકોર્ડ ક્યાંથી, કોની પાસેથી અને કેવી રીતે ઉભા કરવામાં આવ્યા તે અંગે મહત્વની માહિતી મળી હતી. તપાસમાં ખુલ્યું કે તે સમયે ધાંગધ્રા પ્રાંત અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા બે પટ્ટાવાળાઓએ ખોટા બનાવટી હુકમોમાં રાઉન્ડ સિક્કા/સીલ મારવા માટે આપ્યા હતા. આ આધાર પર હળવદ પોલીસે ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાઓમાં આરોપી ગોવિંદ પોપટભાઈ કુરીયા રહે. ગામ રાજપર તા. ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર તથા આરોપી મનસુખ માધાભાઈ કાંટીયા રહે. ધાંગધ્રા ડો. આંબેડકરનગર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









