મોરબી મહાનગરપાલિકાએ એક વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણીરૂપે MMC@1 અંતર્ગત શનાળા રોડ ખાતે કર્મચારીઓ માટે સ્નેહમિલન કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓ અને શાખાઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ અંતે ભવ્ય આતશબાજી યોજાઈ હતી.
મોરબી મહાનગરપાલિકાએ પોતાની સ્થાપનાના એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ અવસરે MMC@1ના ભાગરૂપે શનાળા રોડ ખાતે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ, જનસેવા અને નાગરિક કલ્યાણ સેવાઓમાં યોગદાન આપનાર કર્મચારીઓ માટે વિશેષ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાએ વર્ષ ૨૦૨૫ દરમિયાન વિકાસકાર્યો, નાગરિક સુવિધાઓના વિસ્તરણ, સ્વચ્છતા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને જનભાગીદારીના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. આ સિદ્ધિઓને બિરદાવવા તથા કર્મચારીઓના ઉત્સાહમાં વધારો કરવા આ કાર્યક્રમ યોજાયો હતો. સ્નેહમિલન કાર્યક્રમની શરૂઆત મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા, નાયબ કમિશનર સંજયકુમાર સોની, CFO, સીટી એન્જિનિયર સહિતના અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
શરૂઆતમાં કર્મચારીઓ માટે મ્યુઝિકલ ચેર અને ટીમ બિલ્ડિંગ જેવી રમતો યોજાઈ હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બન્યું હતું. ત્યારબાદ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. BLS તરીકે સેવા આપનાર ડો. નિધિ સુરાણી, ડો. મોનિકા પટેલ, ડો. મહેન્દ્ર ફેફર તેમજ MMC@1 અંતર્ગત યોજાયેલી ટાઈપિંગ સ્પર્ધાના વિજેતાઓ કર્તવ્યભાઈ ભટ્ટ, ધરતીબેન ચીખલીયા અને ગૌરવકુમાર સોલંકીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રેષ્ઠ કામગીરી બદલ ટેક્સ શાખા, વહીવટી વિભાગની મહેકમ શાખા અને રમતગમત શાખાને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉપરાંત બેસ્ટ શાખા અધ્યક્ષ અને બેસ્ટ એમ્પ્લોય ઓફ ઈ-સરકાર તરીકે હિતેન્દ્ર આદ્રોજા, ગૌરવકુમાર સોલંકી અને કેવલ કલોલાને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ANCT શાખાના કર્મચારીઓ દ્વારા જનજાગૃતિ અંગે નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ સાથે વયનિવૃત્તિના કારણે નિવૃત્ત થતા કર્મચારીઓને તેમની ગ્રેજ્યુટી, પી.એફ. અને અન્ય લાભોના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે એ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષ દરમિયાન મહાનગરપાલિકાના કર્મચારીઓએ દિવસ-રાત સતત મહેનત કરીને પોતાની ફરજ સફળતાપૂર્વક નિભાવી છે. રાત્રિ સ્વચ્છતા અભિયાન, ઇલેક્ટ્રિક, ડ્રેનેજ, ફાયર સહિતની ટીમો સતત ખડે પગે રહી શહેરની સેવા કરી રહી છે, જેમાં કર્મચારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે.
કાર્યક્રમના અંતિમ ચરણમાં MMC@1 ઉજવણીના ભાગરૂપે તમામ સુરક્ષા વ્યવસ્થા સાથે શહેરીજનોના આનંદ અને ઉત્સાહમાં વધારો કરવા ભવ્ય અને નયનરમ્ય આતશબાજી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ અને નગરજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સાથે આ સમગ્ર કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર કુલદીપસિંહ વાળા, નાયબ કમિશનર સંજયકુમાર સોની, ચીફ ફાયર ઓફિસર, સીટી એન્જિનિયર સહિતના રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









