મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક ધરતી ટાવરમાં આવેલી ડી. બાબુલાલ આંગડીયા પેઢીમાં ટ્રાન્સપોર્ટના ભાડાના રૂપિયા જમા કરાવી બાદમાં આ રૂપિયા ન આપવાના મામલે વહીવટદાર અને પેઢી માલિક સામે રૂ.૪૬ લાખથી વધુની ઠગાઈ તથા વિશ્વાસઘાત કર્યા અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના કચ્છ સ્થિત ટ્રાન્સપોર્ટના બે ધંધાર્થીઓએ ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી આંગડીયા પેઢીના માલીક તથા વહીવટદાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી શહેરમાં ધરતી ટાવરમાં ડી. બાબુલાલ આંગડીયા પેઢી સામે મોટાપાયે નાણાકીય ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. જેમાં ભુજ તાલુકાના માધાપર હાઈવે વિસ્તારમાં ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ફરિયાદી કલ્પેશભાઈ રમેશભાઈ ઠક્કરે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી આંગડીયા પેઢીના વહીવટદાર દિલીપસિંહ કનુભાઈ ગોહિલ રહે.પંચાસર તા.શંખેશ્વર જી.પાટણ તથા આરોપી આંગડીયા પેઢીના માલીક જગદીશભાઈ ઉર્ફે જગાભાઈ પટેલ રહે.સેટેલાઇટ ચોક પુષ્કરધામ એવન્યુ રાજકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી કલ્પેશભાઈ છેલ્લા આઠ વર્ષથી શ્રી માધવ ફ્રેઇટ કેરીયર નામે ટ્રાન્સપોર્ટ ચલાવે છે અને જી.એમ.ડી.સી. માઈન્સમાંથી નીકળતા લિગ્નાઇટ કોલસાનું મોરબી સહિતના વિસ્તારોમાં ટ્રક મારફત પહોંચાડવાનું કામ કરે છે. ત્યારે આ ટ્રાન્સપોર્ટના ટ્રકના ભાડાના રૂપિયા અલગ અલગ સિરામિક કારખાનાઓમાંથી ઉપરોક્ત આંગડીયા પેઢીમાં જમા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ભાડાની રકમ ડી. બાબુલાલ આંગડીયા પેઢીના વહીવટદાર દિલીપસિંહ કનુભાઈ ગોહીલ પાસે જમા કરાવવામાં આવતી હતી, ત્યારે ગયા ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન અલગ-અલગ સમયે રૂ.૨૪,૯૬,૮૫૦/- ટ્રાન્સપોર્ટ ભાડાના રૂપિયા આંગડીયા પેઢીમાં જમા કરાવાયા હતા. આ ઉપરાંત અન્ય ટ્રાન્સપોર્ટર સુનીલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરના રૂ.૨૧,૯૩,૮૫૦/- પણ આંગડીયા પેઢીમાં જમા કરાવવામાં આવ્યા હતા. એમ કુલ બન્ને ટ્રાન્સપોર્ટના ભાડાના રૂ.૪૬,૯૦,૭૦૦/- આ આંગડીયા પેઢીમાં વહીવટદાર આરોપી દિલીપસિંહ પાસે જમા થયા હતા. જે બાદ આરોપી દિલીપસિંહ ગોહીલ રાતો રાત કચ્છ જવાનું કહી અચાનક ગાયબ થઈ ગયો હતો અને તેના મોબાઇલ ફોન બંધ આવવા લાગ્યા હતા. ત્યારબાદ પેઢીના માલિક જગદિશભાઈ પટેલને જાણ કરતા તેમણે ફરિયાદી અને સાક્ષીઓને “રૂપિયા ગમે તે રીતે આપી દઈશ” તેમ કહી વિશ્વાસ આપ્યો હતો, પરંતુ આજદિન સુધી કોઈ રકમ ચૂકવવામાં આવી નથી. હાલ એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









