મોરબી-૨ વિસ્તારમાં ફ્લોરા હોમ્સ નજીક આવેલ ક્રિષ્ના ઓટો ગેરેજ બહાર પાર્ક કરેલ મોટર સાયકલની ધોળે દિવસે ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. વાહનચોરે ગેરેજની બહાર ચાવી લગાવેલી હાલતમાં રાખેલ સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચાવી ચાલુ કરીને લઇ ગયો હતો. હાલ આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે વાહન ચોરીની ફરીયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, મોરબી-૨ ફ્લોરા હોમ્સ બ્લોક નં. ૫૫ વોરા બાગ પાસે રહેતા અશ્વિનભાઈ હરજીવનભાઈ સિતાપરા ઉવ.૪૪ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહન ચોર આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે, જે ફરિયાદ મુજબ, ગત તા. ૩૦/૦૯/૨૦૨૫ના રોજ ફરિયાદીએ પોતાનું મોટર સાયકલ સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૦૨-સીડી-૮૯૨૩ તેમના મિત્ર હરેશભાઈ અમૃતભાઈ વડગાસીયાના ક્રિષ્ના ઓટો ગેરેજ ખાતે સર્વિસ માટે આપ્યું હતું. ત્યારે અન્ય કામમાં વ્યસ્ત હોવાથી તેઓ મોટર સાયકલ લેવા ગયા ન હતા. ત્યારબાદ તા. ૦૨/૧૦/૨૦૨૫ના રોજ બપોરે તેમના મિત્રનો ફોન આવતા જાણ થઈ કે ગેરેજની બહાર ચાવી લગાવેલ હાલતમાં રાખેલ ઉપરોક્ત મોટર સાયકલ કોઈ અજાણ્યો ઈસમ નજર સામે ચાવી ચાલુ કરીને લઈ ગયો હતો. જેથી ફરિયાદી તરત જ ગેરેજે પહોંચ્યા બાદ સીસીટીવી ફૂટેજ તપાસતા તા. ૦૨/૧૦/૨૦૨૫ના રોજ બપોરે ૧૩:૨૯ થી ૧૩:૩૦ કલાક દરમિયાન એક અજાણ્યો ઈસમ મોટર સાયકલ ચોરી કરીને લઈ જતો હોવાનું સ્પષ્ટ દેખાયું હતું. આજુબાજુ તપાસ કરવા છતાં મોટર સાયકલ ક્યાંય મળી ન આવતા પ્રથમ ઓનલાઇન ઈ-એફ.આઈ.આર. નોંધાવી હતી. જે બાદ બી ડિવિઝન પોલીસ મથકમાં રૂબરૂ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









