હળવદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી એક આરોપીની કરી અટકાયત, બે ફરાર
હળવદમાં બહેન સાથે પ્રેમ સંબંધની શંકા રાખી યુવકના ઘરમાં ઘુસી તેના પરિવાર ઉપર હુમલો કર્યા અંગેની ઘટના સામે આવી છે. જેમાં આરોપીઓએ ઘરમાં ઘુસી તલવાર અને ધોકાથી ફરીયાદી સહિત પરિવારની મહિલાઓને ઇજા પહોંચાડી હતી. હાલ હળવદ પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી, એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓની અટક કરવા શોધખોળ ચાલુ છે.
મળતી માહિતી મુજબ, હળવદ માર્કેટિંગ યાર્ડ સામે રહેતા મુકેશભાઈ રતનજીભાઈ બારૈયા ઉવ.૪૫ એ હળવદ પોલીસ સમક્ષ આરોપી ગોપાલ લીલાભાઈ કોળી, મનસુખ લીલાભાઈ કોળી તથા મહેશ ઉર્ફે મલો ભોલાભાઇ કોળી રહે.બધા હળવદ ભવાનીનગર ઢોરા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ઉપરોક્ત ત્રણેય આરોપીઓએ ફરીયાદીના દીકરા સાથે પોતાની બહેનના પ્રેમ સંબંધની શંકા રાખી ગઈ તા.૦૧/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રે ઘરમાં તલવાર, ધોકા સાથે ઘરમાં ઘુસી, ફરીયાદીના માથાના ભાગે તલવાર તથા બન્ને હાથમાં ધોકાથી ઘા મારી ગંભીર ઇજા કરી હતી. આ દરમિયાન ઘરમાં રહેલ મહિલાઓ ઉપર પણ ધોકા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા.
હળવદ પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ત્વરિત કાર્યવાહી કરી આરોપી મહેશ ઉર્ફે મલો ભોલાભાઈ કોળીની ગઈકાલ તા.૦૨/૦૧/૨૦૨૬ના રોજ ધરપકડ કરી છે, જ્યારે આરોપી ગોપાલ લીલાભાઈ કોળી અને મનસુખ લીલાભાઈ કોળીની અટક કરવા ચક્રો ગતિમાન કર્યા છે.









