મોરબી નજીક ઉચીમાંડલ ગામ પાસે આવેલ એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિકમાં યોજાયેલા મેગા રક્તદાન કેમ્પમાં ઉદ્યોગકારો, કર્મચારીઓ અને પરિવાર દ્વારા સેવાના ભાવથી આગળ આવી ૩૧૦ બોટલ રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
મોરબી તાલુકાના ઉચીમાંડલ ગામ નજીક આવેલ એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિક ખાતે મેગા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં એકોર્ડ પરિવાર, ઉદ્યોગકારો, સરડવા પરિવાર તેમજ એકોર્ડ સિરામિકના સ્ટાફ સહિતના રક્તદાતાઓએ મન મૂકીને રક્તદાન કર્યું હતું. સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ચાલેલા કેમ્પ દરમિયાન કુલ ૩૧૦ બોટલ રક્ત એકત્રિત થયું હતું, જે એક ઐતિહાસિક આંક તરીકે નોંધાયો હતો. આ રક્તદાન કેમ્પનું આયોજન એકોર્ડ સિરામિકના માલિક નરભેરામભાઈ પટેલ તથા તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ખાસ નોંધપાત્ર બાબત એ રહી કે આ કેમ્પમાં મણિલાલ સરડવાએ પોતાનું ૫૧મું રક્તદાન કરી સેવાનો અનોખો દાખલો આપ્યો હતો. કેમ્પમાં એકત્ર થયેલ રક્તમાંથી ૧૫૪ બોટલ મોરબી સિવિલ હોસ્પિટલને અને ૧૫૬ બોટલ અમદાવાદ સ્થિત સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટને દાનમાં આપવામાં આવી હતી.
એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિકના માલિક તથા પૂર્વ સિરામિક એસોસિએશનના પ્રમુખ નરભેરામભાઈ પટેલ, તેમના નાના પુત્ર સાગરભાઈ પટેલ તેમજ ભાઈઓ અમિતભાઈ, જયભાઈ, વૈભવભાઈ, વિરલભાઈ, નીરવભાઈ અને હર્ષભાઈ સહિત સમગ્ર એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિકની ટીમ દ્વારા બીજી વખત મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી માનવતા માટે પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે. તેમના આ સેવાકાર્યને મોરબી સિરામિક પરિવાર દ્વારા વિશેષ બિરદાવવામાં આવ્યું હતું. ૩૧૦ બોટલ રક્તદાન સાથે આ પરિવારે સામાજિક સેવામાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.









