મોરબીમાં “સરદારકથા” નું શૈલેષ સગપરિયા દ્વારા ભાવવાહી રજુઆત.
મોરબી: અત્રેના સરદાર પટેલ કન્યા છાત્રાલય ખાતે નિર્શીવ ફાઉન્ડેશન, કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ તેમજ ગોપાલભાઈ ચમારડી દ્વારા ભારતની એકતા અને અખંડીતતાના મસીહા, લોહ પુરુષ, ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન જેમને સ્વતંત્રતાની લડતમાં ગાંધીજી સાથે ખભેખભો મિલાવી, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહમાં સફળ નેતૃત્વ કરી રાષ્ટ્રીય ફલક પર પોતાની હિંમતથી, નીડરતાથી અદમ્ય સાહસના દર્શન કરાવી ભારતને સ્વતંત્ર કરવામાં સિંહફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની જાણી અજાણી અનેક વાતો આજના લોકો, આજના યુવાનો જાણી શકે એવા શુભ હેતુથી રોહનભાઈ રાંકજા, આરતીબેન રોહનભાઈ રાંકજાના સંનિષ્ઠ પ્રયાસોથી “સરદારકથા”નું ભવ્ય અને દિવ્ય કથા ચાલી રહી છે.
જેમાં જાણીતા વક્તા શૈલેષભાઈ સગપરિયા પોતાની આગવી અનોખી શૈલીમાં સરદાર સાહેબના બાળપણથી માંડી અભ્યાસકાળ, વિદેશગમન સફળ વકીલ સરદાર, આઝાદીની લડતમાં સરદાર સાહેબનું યોગદાન, સરદાર સાહેબનો કુટુંબ પ્રેમ, મિત્રપ્રેમ વગેરેનું જ્ઞાન બહોળી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓને પીરસી રહ્યા છે, ઠંડીના માહોલમાં પણ રાત્રે ૧૨ વાગ્યા સુધી વિશાળ જનમેદની કથાનો લાભ લઈ રહ્યા છે. શ્રોતાઓને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થાય એ માટે સીરામીક એસોસિએશન તરફથી ગેસ સગડીની વ્યવસ્થા કરી આપવામાં આવેલ છે.
આ સરદાર કથામાં ડો.જયંતિભાઈ ભાડેશીયા આરએસએસ, બ્રિજેશ મેરજા પૂર્વ મંત્રી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, સીરામીક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, હરેશભાઇ બોપલીયા, સંદીપભાઈ કુંડારીયા, નિલેશભાઈ જેતપરિયા, કે.જી.કુંડારીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા, આ કથાને સફળ બનાવવા રોહનભાઈ રાંકજા, આરતીબેન રાંકજા તેમજ ગોપાલભાઈ ચમારડી એ.કે.પટેલ ચેરમેન, ત્રમ્બકભાઈ ફેફર ઉપ પ્રમુખ, બેચરભાઈ હોથી પ્રમુખ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી વગેરે ખુબજ જહેમત ઉઠાવી રહ્યા છે.









