નસીતપર-રાજપર રોડ ઉપર થયેલ અકસ્માતમાં સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ.
ટંકારા તાલુકાના નસીતપર ગામની સીમમાં હિટ એન્ડ રનનો ગંભીર બનાવ સામે આવ્યો છે. જેમાં વોકિંગમાં જતા એક વૃદ્ધને ટ્રકે પાછળથી હડફેટે લેતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે સમગ્ર અકસ્માતના મામલે મૃતકના ભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે આરોપી ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
ટંકારા તાલુકાના નસીતપર ગામથી રાજપર તરફ જતા રોડ ઉપર આવેલ નાળા પાસે તા.૦૭/૦૧/૨૦૨૬ના રોજ રાત્રિના આઠ વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો હતો. જેમાં નસીતપર ગામે રહેતા પ્રાણજીવનભાઇ નારણભાઇ વોકિંગ માટે નીકળ્યા હતા. તે દરમિયાન નસીતપરથી રાજપર જવાના રોડ ઉપર ટ્રક નં. જીજે-૦૩-વી-૭૮૮૫ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી, પ્રાણજીવનભાઈને પાછળથી હડફેટે લીધા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે નાસી ગયો હતો. બનાવમાં વૃદ્ધને શરીરે તથા જમણા પગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બનાવ અંગે મૃતકના ભાઇ પ્રભુભાઇ નારણભાઇ અંદોદરીયાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ બીએનએસ તથા મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









