મોરબી મહાનગરપાલિકા દ્વારા અવની પાર્ક મેઈન રોડ વિસ્તારમાં સ્વચ્છતા જાગૃતિના ઉદ્દેશ સાથે વિશાળ શ્રમદાન અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં મહાનગરપાલિકાના કમિશ્નર સહિતના અધિકારીઓ, સ્ટાફ, વિવિધ સંસ્થાઓ અને નાગરિકો સહિત અંદાજીત ૧૮૦ લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સફાઈ દરમિયાન ભારે પ્રમાણમાં સોલિડ વેસ્ટ તથા બાંધકામનો કચરો દૂર કરવામાં આવ્યો હતો. સાથે સાથે નાગરિકોને સોર્સ સેગ્રીગેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૦૮/૧૧/૨૦૨૬ના રોજ અવની પાર્ક મેઈન રોડ ખાતે શ્રમદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, અધિકારી-કર્મચારીઓ, મોરબી જીલ્લા ઉમિયા પરિવાર સમુહ લગ્ન સમિતિ તેમજ સ્થાનિક નાગરિકો સહિત અંદાજીત ૧૮૦ લોકો જોડાયા હતા. સફાઈ અભિયાન દરમિયાન ૬ ટ્રેક્ટર, ૧ બેક હો લોડર અને ૨ ફ્રન્ટ હો લોડરની મદદથી અંદાજીત ૩૫ ટન જેટલો સોલિડ વેસ્ટ તથા C&D વેસ્ટ દૂર કરવામાં આવ્યો હતો. ઉપરાંત જંગલ કટીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.
શ્રમદાન દરમ્યાન બજરંગ સોસાયટી તથા આસપાસના વિસ્તારોમાં નાગરિકોને ઘન કચરા વ્યવસ્થાપન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને સોર્સ સેગ્રીગેશન અંતર્ગત સુકો અને ભીનો કચરો અલગ રાખવાની સમજ આપવામાં આવી હતી. મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનને વધુ સક્રિય બનાવવા “શ્રમદાન ફોર મોરબી” નામે વાર્ષિક કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હોવાનું નાયબ કમિશ્નર (પ્રોજેક્ટ) દ્વારા જણાવાયું હતું. આ અંતર્ગત તમામ મોરબીવાસીઓને આગામી સમયમાં આયોજિત શ્રમદાન કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં જોડાવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.









