માળીયા(મી) તાલુકાના નાના દહીંસરા ગામના પાટીયા નજીક માર્ગ અકસ્માતમાં ઇકો કાર ચાલકનું સારવારમાં રાજજોત ખાતે મૃત્યુ નીપજ્યું હતું. જેમાં ટ્રક ટ્રેઇલરના ચાલજે પોતાનું વાહન અચાનક વળાંક લઈ ઇકો કારને હડફેટે લેતા કાર ચાલકને અને તેની સાથે બેસેલ મિત્રને ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઇકો કાર ચાલકને મોરબી બાદ વધુ સારવારમાં રાજકોટ રીફર કરતા જ્યાં ચાલુ સારવારમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર, માળીયા(મી) તાલુજના નવી નવલખી ગામના હારુનભાઈ હાજીભાઈ જામ ઉવ.૧૯ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી ટ્રક ટ્રેઇલર રજી.નં. જીજે-૩૬-ટી-૪૪૯૯ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ, ગત તા.૦૮/૦૧ના રોજ ફરિયાદી હારુનભાઈ પોતાના ગામથી પીપળીયા ચાર રસ્તા કોઈ કામે આવ્યા હતા, જે બાદ તેમના ગામ પરત જવા તેના મિત્ર રફીકભાઈ દાઉદભાઈની ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એપી-૦૨૮૭માં બેસી જતા હોય તે દરમિયાન નાના દહીંસરા ગામના પાટીયાથી આગળ નાયરા પેટ્રોલ પંપની બાજુની સાઈડથી પુર ઝડપે ચલાવી રોડ ઉપર વળાંક લઈ ઇકો કારને ડ્રાઇવિંગ સાઈડ સાથે અથડાવી દીધી હતી. જે અકસ્માતમાં કાર ચાલક રફીકભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ફરિયાદીને હાથ-પગે મૂંઢ ઇજાઓ પહોંચી હતી. ત્યારે રફીકભાઈને પ્રથમ મોરબી જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ચાલુ સારવારમાં રફીકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ માળીયા(મી)પોલીસે આરોપી ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









