મોરબીના લીલાપર ગામ નજીક કંપની કામ સબબ નીકળેલ એકટીવા ચાલક યુવકને અકસ્માત નડ્યો હતો. જેમાં અચાનક સ્પીડ બ્રેકર આવતા, એકટીવા મોપેડની એક્દમથી બ્રેક મારતા એકટીવા સ્લીપ થયું હતું, ત્યારે ચાલકને માથામાં અને છાતીએ ગંભીર ઇજા પહોચતા પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ ખાતે સારવારમાં દાખલ યુવકે એક દિવસની ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો. હાલ અકસ્માત બનાવે મૃતક એકટીવા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ, માળીયા(મી) તાલુકાના જુના ઘાટીલા ગામના વતની હાલ નાની વાવડી સમજુબા સોસાયટી ખાતે રહેતા સંદીપભાઈ મધુસુદનભાઈ જાની ઉવ.૨૯ ગત તા.૨૬/૧૨/૨૦૨૫ ના રોજ રફાળેશ્વર ગામ પાસે આવેલ વિનાયક પોલીપ્લાસ્ટ નામના કારખાનેથી કંપનીના કામ સબબ પોતાનું એકટીવા રજી.નં. જીજે-૩૬-એએસ-૩૯૧૯ લઈને જતા હોય ત્યારે વધુ સ્પીડમાં હોય તે દરમિયાન લીલાપર ગામ નજીક લાડલી પાર્ટી પ્લોટ સામે અચાનક રોડ ઉપર આવેલ સ્પીડ બ્રેકરને લઈને એક્દમથી બ્રેક મારતા, મોપેડ સ્લીપ થયું અબે એકટીવા ચાલક રોડ ઉપર પટકાતા, તેને માથામાં અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે તેને પ્રથમ મોરબી ક્રિષ્ના હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સીનર્જી હોસ્પિટલમાં લાવતા જ્યાં ટૂંકી સારવારમાં સંદીપભાઈનું મૃત્યુ નિલજ્યું હતું. હાલ મૃતકના પત્ની પૂજાબેનની ફરિયાદને આધારે તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









