વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને પ્લેટીનિયમ જ્યુબિલી સેલિબ્રેશન
મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના ૭૫ વર્ષ પૂર્ણ થતા પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સંમેલન યોજાયું હતું. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશ-વિદેશમાં કાર્યરત પૂર્વ વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિથી સમારોહ યાદગાર બન્યો હતો.
મોરબીની લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના સ્થાપનાને ૭૫ વર્ષ પૂર્ણ થતા પ્લેટીનિયમ જ્યુબિલી સેલિબ્રેશન અંતર્ગત પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયું હતું, જેમાં તેમના હસ્તે દીપ પ્રાગટ્ય કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે હરેશભાઈ રંગવાલાએ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાનું મોમેન્ટો આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કોલેજના ઈતિહાસ પર પ્રકાશ પાડતાં જણાવાયું હતું કે, વિશ્વપ્રસિદ્ધ લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ શરૂ થાય તે પૂર્વે રાજવી પરિવારે મોરબીમાં ટેકનિકલ શિક્ષણના પાયા રૂપે ડિપ્લોમા કોર્સની શરૂઆત કરાવી હતી. ઈ.સ. ૧૯૫૧માં મહારાજા લખધીરસિંહજી દ્વારા તેઓ નિવાસ કરતા નજરબાગ પેલેસને કોલેજ માટે ભેટ આપવામાં આવ્યો હતો, જેનું નિર્માણ ઈ.સ. ૧૮૮૦માં થયું હતું.
આ તકે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સૌરાષ્ટ્રની એકમાત્ર ઇજનેરી કોલેજમાં વિદ્યાર્થી તરીકેના પોતાના દિવસો અને હોસ્ટેલ જીવનના સંસ્મરણો યાદ કરી ઉપસ્થિતોને ભાવવિભોર કર્યા હતા. પ્લેટીનિયમ જ્યુબિલી સેલિબ્રેશનમાં દેશ-વિદેશમાં ઉદ્યોગ, વેપાર તેમજ સરકારી ક્ષેત્રે ઉચ્ચ હોદાઓ પર સેવા આપતા લખધીરજી એન્જિનિયરિંગ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ત્યારે સમગ્ર કાર્યક્રમ કોલેજના ગૌરવસભર ઇતિહાસને ઉજાગર કરતો અને આવનારી પેઢી માટે પ્રેરણાદાયક બન્યો હતો.









