“માર્ગ સુરક્ષા, જીવન રક્ષા” સૂત્રને સાર્થક કરતી ચિત્ર, પોસ્ટર, નિબંધ અને ક્વિઝ સ્પર્ધાઓ યોજાઈ.
મોરબી આરટીઓ કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક નિયમોની સમજ બાલ્યકાળથી વિકસે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ માર્ગ સલામતી અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું.
મોરબી આરટીઓ કચેરી ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ઉચ્ચત્તર પ્રાથમિક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર, સ્લોગન, પોસ્ટર, નિબંધ અને ક્વિઝ સ્પર્ધાઓનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક સેન્સના અભાવે રોજબરોજ થતા અકસ્માતો અને અકાળ મૃત્યુને ધ્યાનમાં રાખી, વિદ્યાર્થીઓમાં બાળપણથી જ ટ્રાફિક નિયમોની સમજ અને પાલનની ભાવના વિકસે તે હેતુથી આ સ્પર્ધાઓ યોજાઈ હતી. શરૂઆતમાં શાળા કક્ષાએ યોજાયેલી સ્પર્ધાઓમાં આશરે ૧૦૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી વિજેતા વિદ્યાર્થીઓને આરટીઓ કચેરી ખાતે અંતિમ સ્પર્ધામાં સામેલ કરવામાં આવ્યા હતા. ક્વિઝ સ્પર્ધા દરમ્યાન વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે પીપીટી અને વીડિયો બતાવવામાં આવ્યા બાદ આરટીઓ અધિકારી આર.એ. જાડેજા દ્વારા ક્વિઝ લેવાઈ હતી. આ પ્રસંગે આરટીઓ અધિકારી આર.કે. રાવલે વાલીઓ અને શિક્ષકોને હેલ્મેટ તથા સીટબેલ્ટના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું, જ્યારે ભરતભાઈ વડગાસિયાએ લોકસાહિત્ય અને હળવી શૈલીમાં માર્ગ સલામતીનો સંદેશ આપ્યો હતો.
નિબંધ સ્પર્ધામાં હેંસી દિલીપભાઈ પરમાર પ્રથમ, મૈત્રી હિતેશકુમાર કાંજીયા દ્વિતીય અને જ્યોતિ વાઘજીભાઈ સોલંકી તૃતીય રહ્યા, જ્યારે ડ્રોઇંગ અને ક્વિઝ સ્પર્ધામાં પણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને કલેક્ટર કે.બી. ઝવેરી, ડીવાયએસપી તથા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતના હસ્તે ઇનામો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને કીટ અર્પણ કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા આરટીઓ અધિકારી તપન મકવાણા, એઆરટીઓ આર.પી. પ્રજાપતિ, આર.એ. જાડેજા તેમજ સ્ટાફ અને સ્વનિર્ભર શાળા સંચાલકના કાર્યકર્તાઓએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.









