આગામી 14 અને 15 જાન્યુઆરીએ ટંકારા મોરબી અને હળવદમાં ભુકા બોલાવે એવી ટાઢ
સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં હાલ કડકડતી ઠંડીનો જોરદાર રાઉન્ડ ચાલુ છે. હવામાન નિષ્ણાત રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા) દ્વારા આપવામાં આવેલી તાજેતરની આગાહી મુજબ 16 જાન્યુઆરી સુધી આ તીવ્ર ઠંડી યથાવત્ રહેશે. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોને કારણે સમગ્ર વિસ્તારમાં ઠંડીનો ચમકારો વધુ તીવ્ર અનુભવાઈ રહ્યો છે. આગાહી અનુસાર મોરબી, ટંકારા અને હળવદ વિસ્તારોમાં 14 અને 15 જાન્યુઆરી દરમિયાન તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં પહોંચી જશે કેટલાક સ્થળોએ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી પણ નીચે જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે વહેલી સવાર અને મોડી રાતે કડકડતી ઠંડી અનુભવાશે.
11 થી 16 જાન્યુઆરી દરમિયાન હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. આકાશ સ્વચ્છ રહેશે અને પવન ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાશે. આ સમયગાળામાં માવઠા કે કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી. સૂકા અને ઠંડા પવનના કારણે ઠંડીની તીવ્રતા વધુ રહશે. 17 જાન્યુઆરીથી પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા છે અને પશ્ચિમી પવન શરૂ થશે. જેના કારણે ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળશે. સાથે જ સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ વધશે અને ઝાકળવર્ષાનો એક રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે.









