મોરબીના નવા જાંબુડીયા ગામે મહિલા તથા તેના સાસુને ગાળો આપી મારકુટ તેમજ જાતિ પ્રત્યે હડધૂત કરવાના મામલે ફરિયાદ નોંધાઈ છે. આરોપી દ્વારા બન્ને મહિલાઓ સાથે ઝપાઝપી અને માર મારી ધમકી આપવામાં આવી છે. હાલ તાલુકા પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે આરોપી સામે બીએનએસ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા જયોતીબેન કમલેશભાઈ અમરશીભાઈ ખરા ઉવ.૨૪ દ્વારા પોલીસમાં આરોપી વિજયભાઈ બાબુભાઈ વીંજવાડીયા રહે.નવા જાંબુડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદ મુજબ આરોપીનો ભાઈ પ્રકાશભાઈ અને ફરિયાદીના પતિ કમલેશભાઈ ગામમાં સાથે ફરતા હોય ત્યારે ફરિયાદીના પતિની ચડામણીથી પ્રકાશભાઈ આરોપી વિજયભાઈ સહિત ઘરમાં ઝઘડો કરતો હોય તેવો વહેમ રાખી ગત તા.૦૯/૦૧ના રોજ આરોપી વિજયભાઈ ફરીયાદી મહિલાના ઘરે આવી ફરીયાદીને ભુંડી ગાળો આપી અને ફરીયાદી તથા તેના સાસુ સાથે ઝપાઝપી કરી લાફા માર્યા હતા. ત્યારે ફરીયાદીના પતિ કમલેશભાઈ રૂમ બહાર આવતા તેને આરોપીએ જાતિ પ્રત્યે અપમાનિત કરી, ફરીયાદીના પતિને જાનથી મારી નાખવા અને પોતાના ભાઈ સાથે ન ફરવા ધમકી આપી હતી. બનાવને લઈને મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









