વાંકાનેર ટાઉનમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે, જેના વકીલ-પરિવાર ઘર બંધ કરી પોતાની વાડીએ ગયા હોય તે અરસામાં મેઈન દરવાજાનો નકુચો તોડી રૂમમાં કબાટમાંથી સોનાની બે વીંટી, ચેઇન તથા રોકડ સહિત કુલ ૪૫,૦૦૦/-ની માલમત્તાની ચોરી થયા અંગે ફરિયાદ નોંધાઈ છે, આ ઉપરાંત મિલ પ્લોટ અને જીનપરા વિસ્તારમાં અન્ય બે મકાનમાં પણ ચોરી થયા અંગે ફરિયાદ નોંધાવતા હાલ વાંકાનેર સીટી પોલીસે આરોપી અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી અકાગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેરમાં ભાટીયા સોસાયટીમાં રહેતા અને વકીલાત કરતા મહાવીરસિંહ જટુભા જાડેજા ઉવ.૪૯ એ અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા.૦૯/૦૧ ના રોજ રાત્રીના પોતાના મકાનને લોક કરી ગારીયા ગામની સીમમાં આવેલ વાડીએ ગયા હતા. ત્યારે બીજે દિવસે સવારમાં પાડોશી દ્વારા ફરિયાદીને ફોન કરીને જાણ કરી કે તેમના ઘરમાં ચોરી થઈ છે, જેથી ફરિયાદી તુરંત પોતાના ઘરે આવ્યા હતા. જ્યાં તસ્કરોએ ફરિયાદીના મુખ્ય દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કર્યો હોય અને બેડરૂમમાં રાખેલ કબાટમાંથી સોનાની બે વીંટી, ચેઇન મળી કુલ કિ.રૂ.૪૦ હજારના દાગીના તેમજ રોકડા ૫ હજાર મળી કુલ રૂ.૪૫,૦૦૦/-ના માલમત્તાની ચોરી કરી લઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ સિવાય તસ્કરોએ વાંકાનેરના અન્ય વિસ્તારો મિલ પ્લોટમાં અવિનાશભાઈ પટેલ અને જીનપરા વિસ્તારમાં અક્ષયભાઈ દરજીના મકાનોમાં ચોરી કરી હતી. હાલ વકાનેર સીટી પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઘરફોડી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.









