મોરબી-૨ વિસ્તારમાં મોટર સાયકલ સાઈડમાં ચલાવવાનું કહી, ઉગ્ર બોલાચાલી બાદ છ ઇસમોએ મળીને મોટરસાયકલ ચાલક ઉપર હુમલો કર્યો હતો. હુમલામાં ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે આ મામલે પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, મોરબી-૨ વિદ્યુતનગર પાછળ વિક્રમ વાડી વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ઘોઘજીભાઈ સુરેલા ઉવ.૩૫ દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અહેમદ અનવરભાઈ માલાણી, મીતુલભાઈ રમેશભાઈ સનુરા, વસીમભાઈ અનવરભાઈ માલાણી, રૂતીકભાઈ રમેશભાઈ સનુરા ચારેય રહે. કાંતિનગર, મોરબી-૨ તથા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદ મુજબ તેઓ ગઈકાલ તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે પોતાનું મોટરસાયકલ ચલાવી કુળદેવી પાનથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન કુળદેવી પાન અને સર્કિટ હાઉસ વચ્ચે આવેલા વણાંક પાસે વર્ના કાર રજી. નં.જીજે-૦૧-ડબ્લ્યુએમ-૦૦૦૪ના ચાલકે અચાનક સાઇડ કાપી આગળ ઊભી રાખી બોલાચાલી શરૂ કરી હતી. કારમાં બેઠેલા આરોપી અહેમદ અનવરભાઈ માલાણીએ ગાળો આપીને ફરિયાદીના ગાલ પર ફડાકો માર્યો હતો. બાદમાં અહેમદે પોતાના ભાઈ વસીમભાઈને ફોન કરતાં વસીમ ક્રેટા કારમાં રૂતીકભાઈ રમેશભાઈ સનુરા તથા બે અજાણ્યા ઇસમોને સાથે લઈ આવ્યો હતો. ત્યારબાદ તમામે મળીને ફરિયાદીને ઢીકા-પાટુનો માર માર્યો હતો, ત્યારે આજુબાજુના લોકો ભેગા થતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જતાં પહેલાં આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ ઘટનાને લઈને પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









