વાંકાનેરના વઘાસીયા ગામ નજીક કુશો સિરામિક કારખાનામાં જૂના મજૂરીના રૂપિયા લેવાના બાકી મુદ્દે થયેલ વિવાદ બાદ કારખાનામાં તોડફોડની ગંભીર ઘટના સામે આવી છે. આરોપીઓએ ગેરકાયદેસર રીતે કારખાનામાં ઘુસી મશીનરીમાં તેમજ કેબલ વાયર તોડી અંદાજે ૭૫ લાખ રૂપિયાનું નુકશાન પહોંચાડ્યું હતું. હાલ સમગ્ર બનાવ મામલે કારખાનાના ભાગીદારે આરોપી ચાર નામજોગ અને આઠ જેટલા અજાણ્યા એમ કુલ ૧૨ વ્યક્તિઓ સામે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના નરસંગ સોસાયટી મેધધનુષ એપાર્ટમેન્ટમાં રહેતા અને કુશો ગ્રેનીટો પ્રા. લી. કારખાનાના ભાગીદાર આંનદભાઈ રમેશભાઈ વાધડીયા ઉવ.૩૫ દ્વારા આરોપી ભીષ્મ પાન્ડે, પ્રકાશભાઈ ભરવાડ, શશીપ્રકાશભાઈ, આનંદભાઈ કૈલા તથા આઠ અજાણ્યા સહિત કુલ ૧૨ વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૨૬/૧૨/૨૦૨૫ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના સમયે અગાઉ મજૂરી કોન્ટ્રાક્ટ પર કામ કરતા આરોપી ભીષ્મ પાન્ડે, પ્રકાશભાઈ ભરવાડ, શશીપ્રકાશભાઈ તથા તેમના માણસો બાકી રકમના બહાને કારખાને પહોંચ્યા હતા. અને સિક્યુરિટી ગાર્ડને ધમકી આપી કારખાનામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને આયશર ગાડી રજી.નં. જીજે-૨૩-વાય-૭૪૧૨માં મશીનરીનો સામાન ભર્યો હતો. ત્યારે સિક્યુરિટી ગાર્ડ દ્વારા ૧૧૨ પોલીસને બોલાવ્યા બાદ તાત્કાલિક સામાન ઉતારવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તપાસ કરતા કારખાનાના પ્રેસ વિભાગ, કિલન વિભાગ, ગ્લેઝલાઇન તથા સાઇઝિંગ વિભાગમાં ભારે તોડફોડ અને વાયર કાપી નાખ્યાનું સામે આવ્યું હતું.
સી.સી.ટી.વી. ફૂટેજ જોતા, આરોપીઓ ભીષ્મ પાન્ડે, પ્રકાશભાઈ ભરવાડ, શશીપ્રકાશભાઈ, આંનદભાઈ કૈલા તથા તેમની સાથે આવેલા આઠ અજાણ્યા શખ્સો કારખાનામાં બળજબરીપૂર્વક પ્રવેશ કરી તોડફોડ કરતા જોવા મળ્યા હતા. સમગ્ર ઘટનામાં અંદાજે રૂ. ૭૫ લાખ જેટલું નુકશાન થયાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ વાંકાનેર સીટી પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









