“લૂંટવાનો નહિ, લૂંટાવવાનો આનંદ”ના સૂત્ર સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સેવાભાવીઓએ ઉજવ્યો ઉત્સવ
મોરબી : ઉત્તરાયણ માત્ર પતંગ ઉડાવવાનો પર્વ નથી, તે ભારતીય સંસ્કૃતિના સેવાભાવ, સંવેદનશીલતા અને માનવતાના મૂળ મૂલ્યોને ઉજાગર કરતો મહોત્સવ છે. આ ભાવનાને આત્મસાત કરી મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઉત્તરાયણના પાવન પર્વની પૂર્વ સંધ્યાએ શહેરના ઝૂંપટપટ્ટી અને પછાત વિસ્તારોના નાનાં બાળકોને ખુશીની ભેટ અર્પણ કરી સાચી ઉજવણીનું ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
છેલ્લા ૧૭ વર્ષથી યંગ ઇન્ડિયા ગ્રુપ સમાજસેવા અને રાષ્ટ્રભાવનાના સંકલ્પ સાથે કાર્યરત છે. આ સેવાયાત્રાને આગળ વધારતાં, ગ્રુપ દ્વારા વંચિત બાળકોને પતંગ, દોરા, શુદ્ધ ઘીના અડદિયા અને મીઠાઈ વિતરણ કરી “મેળવાનો નહિ, આપવાનો આનંદ” અને “લૂંટવાનો નહિ, લૂંટાવવાનો આનંદ” ના ભાવને જીવંત કર્યો. બાળકોના ચહેરા પર ફેલાયેલી સ્મિતની રોશની જ આ સેવાયજ્ઞની સાચી સિદ્ધિ બની છે.
યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડૉ. દેવેન રબારીએ સંવેદનસભર શબ્દોમાં જણાવ્યું “અગર ઘર સે મસ્જિદ હો બહુત દૂર, તો ક્યુ ના એસા કિયા જાયે કે એક રોતે હુવે બચ્ચે કો હસાયા જાયે.”તેમણે વધુમાં જણાવ્યું કે ઈશ્વરની સાચી આરાધના માત્ર મંદિરો કે મસ્જિદોમાં જવાથી નથી થતી, પરંતુ કોઈ દુઃખી હૃદયને આશ્વાસન આપવું, કોઈ ભૂખ્યા બાળકને આહાર આપવો અને કોઈ વંચિત ચહેરા પર હાસ્ય ફેલાવવું એજ પરમ પ્રભુ સેવા છે. જનસેવા એજ પરમ ધર્મ છે અને યંગ ઇન્ડિયા ગ્રુપ આ ધર્મને આચરણમાં ઉતારવા સતત પ્રતિબદ્ધ છે.
ઉત્તરાયણના પાવન દિવસે વંચિત બાળકોને પતંગ-દોરા અને મીઠાઈ આપી તેમની ખુશીમાં સહભાગી થવું એ યંગ ઇન્ડિયા ગ્રુપ માટે આત્મિક સંતોષની ક્ષણ હતી. કારણ કે પ્રાપ્ત કરવાનો આનંદ ક્ષણિક છે, પરંતુ આપવાનો આનંદ શાશ્વત સુખ આપે છે.બઆ જ ભારતીય સંસ્કૃતિનું અમૂલ્ય સત્ય છે. બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધવી.આ ભાવનાને જીવંત રાખવાનો સંકલ્પ યંગ ઇન્ડિયા ગ્રુપ સતત લેતું રહેશે.









