સીટી એ ડિવિઝન પોલીસે એક મહિલા સહિત સાત લોકો સામે ગુનો નોંધ્યો.
મોરબી શહેરમાં મકરસંક્રાંતિના તહેવારે વાવડી રોડ ગણેશનગર વિસ્તારમાં આવેલ શોપિંગ કોમ્પ્લેક્ષની છત ઉપર ગાળો બોલવાના મુદ્દે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા સશસ્ત્ર મારામારી થઈ હતી. ઘટનામાં લાકડી, ધોકા, પથ્થર અને છરી વડે જાહેરમાં બન્ને પક્ષો વચ્ચે સામસામી મારામારી થતા થોડીવાર માટે રોડ ઉપર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવને પગલે બંને પક્ષોએ એકબીજા સામે સામસામી ફરિયાદ નોંધાવતા સીટી એ ડિવિઝન પોલીસે એક મહિલા સહિત સાત આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. હાલ તમામ ઈજાગ્રસ્તોની મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલુ છે.
મોરબી શહેરના વાવડી રોડ ઉપર ગણેશનગર નજીક ગઈકાલ તા.૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બપોરના અઢી વાગ્યાના અરસામાં છત ઉપર ગાળો બોલવાના મુદ્દે બે પક્ષો વચ્ચે ભારે ઝપાઝપી અને સશસ્ત્ર મારામારીનો બનાવ બન્યો હતો. જે બનાવમાં પ્રથમ ફરિયાદ ભાવેશભાઈ નાનજીભાઈ પરમાર ઉવ.૨૫ રહે. નાની વાવડી રોડ જેપુરીયાની વાડી મોરબી વાળાએ આરોપી જયંતીભાઈ, હાર્દિકભાઈ, જયેશભાઇ અને સોનલબેન બધા રહે.મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ફરિયાદીના સંબંધી છત ઉપર પતંગ ઉડાડતા હોય અને ગાળો બોલતા હોય જે બાબતે આરોપીઓ ફરિયાદીના પતંગના સ્ટોલે આવી, સ્ટોલ બંધ કરવા બાબતે બોલાચાલી બાદ આરોપીઓએ લાકડી, ધોકા, પથ્થર અને છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરિયાદી ભાવેશભાઈ તથા તેમના સગા યોગેશભાઈ અને પ્રગ્નેશભાઈને ઇજાઓ પહોંચાડી હતી.જેથી ત્રણેયને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વધુમાં આરોપીઓ નશાની હાલતમાં હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સામાપક્ષે હાર્દિકભાઈ પરવીણભાઈ કંજારીયા ઉવ.૨૩ રહે. વજેપર શેરી નં.૧૩ મોરબી દ્વારા પણ આરોપી યોગેશભાઈ તથા અજાણ્યા બે માણસો વિરુદ્ધ સામી ફરિયાદ નોંધાવી કે, વાવડી રોડ ગણેશનગરના નાકે શોપિંગ કોમ્પ્લેક્ષની છત ઉપર ગાળો બોલતા લોકોને સમજાવવા તેમના પતંગના સ્ટોલ આરોપીઓએ ફરિયાદી હાર્દિકભાઈ અને તેમના પરિવારજનો પર સામે પક્ષે હુમલો કર્યો હતો. જેમાં ધોકા, લોખંડની વસ્તુ અને અન્ય હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો. આ હુમલામાં હાર્દિકભાઈ બેભાન થઈ પડ્યા હતા તેમજ જયંતીભાઈ અને સોનલબેનને પણ ઇજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હાલ તેઓ તમામની સારવાર ચાલુ છે.
આ સમગ્ર બનાવને પગલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે એક મહિલા સહિત કુલ સાત લોકો સામે બીએનએસની અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









