મોરબી શહેરના મયુરપુલ નીચે નદીના પટમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પ્રેમસંબંધને લઈ થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં કાસુભાઈ ચાડમીયા ઉવ.૬૦ નામના વૃદ્ધને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોત નિપજાવવામાં આવ્યું હતું. આ મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુના અંગેની વિગતો મુજબ, ગઈ તા.૧૪/૦૧ના રોજ રાત્રે લગભગ ૧૦:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના મયુરપુલ નીચે નદીના પટમાં ઝૂંપડામાં રહેતા લોકો વચ્ચે ઝઘડો થયો હતો. સમગ્ર બનાવ બાબતે ફરિયાદી મનોજભાઈ કાસુભાઈ ચાડમીયાએ આરોપી (૧)અજય રમેશભાઇ હઠીલા, (૨)અજય ભનુભાઇ, (૩)બંટી ડામોર, (૪)દિપુ અરજણભાઇ રહે.ચારેય મોરબી મયુરપુલ નીચે ઝુંપડામા તા.જી.મોરબી વાળા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે, આરોપી અજય રમેશભાઈ હઠીલા અને ફરિયાદીની બહેન ગીતાબેન વચ્ચે પ્રેમસંબંધ હતો અને લગ્નની વાતને લઈને બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ઝઘડો ઉગ્ર બનતા આરોપી અજય હઠીલાએ તેના પડોશમાં રહેતા આરોપી અજય ભનુભાઈ, બંટી ડામોર અને દિપુ અરજણભાઈને બોલાવી લીધા હતા. ચારેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદો પર છૂટા પથ્થરો અને ત્યાં પડેલા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીના પિતા કાસુભાઈ ચાડમીયાને ઘસડીને બાવળની કાંટમાં લઈ જઈ તીક્ષ્ણ હથિયારથી સાથળમાં ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. ગંભીર ઇજાઓને કારણે કાસુભાઈનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩(૧) તથા જીપી.એક્ટ સહિતની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









