મોરબીના મયુર બ્રિજ નીચે નદીના પટમાં ઝુપડામાં રહેતા વૃદ્ધની નિર્મમ હત્યાના કેસમાં મોરબી પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે. પ્રેમસંબંધના મુદ્દે થયેલી બોલાચાલી બાદ આરોપીઓએ પથ્થર અને લાકડાના ધોકાથી હુમલો કરી વૃદ્ધને મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાની નોંધાયેલ ફરિયાદ મુજબ, ગત તા. ૧૪/૦૧/૨૦૨૬ના રોજ રાત્રે મોરબીના મયુર બ્રિજ નીચે નદીના પટ ઉપર ફરિયાદી મનોજભાઇ કાસુભાઇ ચાડમીયા ઉવ.૨૨ રહે. મયુર પુલ નીચે નદીના પટ્ટમાં ઝૂંપડામાં મોરબી વાળા આરોપી અજયભાઇ રમેશભાઇ હઠીલા ઉવ.૨૫ સહિત તાપણું કરીને બેઠા હોય ત્યારે આરોપી અજયે ફરિયાદીની બહેન ગીતાબેન સાથે પ્રેમસંબંધ હતો અને લગ્ન બાબતે ચર્ચા દરમિયાન બોલાચાલી થઈ હતી. આ ઝઘડાના કારણે આરોપીએ પડોશમાં રહેતા આરોપી અજયભાઇ જાનૈયાભાઇ ખરાડી ઉવ.૨૫, આરોપી બંટીભાઇ હેન્ડરીયાભાઇ ડામોર ઉવ.૩૩ અને આરોપી દિપુભાઇ જાનૈયાભાઇ ખરાડી ઉવ.૪૨ ને બોલાવી ફરિયાદી તથા સાક્ષીઓ પર છૂટા પથ્થરો અને ત્યાં પડેલા લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. આ દરમિયાન ચારેય આરોપીઓએ મળીને ફરિયાદીના પિતા કાસુભાઇ હોથીભાઇ ચાડમીયા ઉવ.૫૭ને ઢસડી બાવળની કાંટમાં લઈ જઈ કોઈ તીક્ષણ હથિયારથી ઘા મારી મોત નિપજાવ્યું હતું. ત્યારે સીટી બી ડિવિઝન પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ચારેય આરોપીઓની ધોરણસર અટક કરી આગળની તપાસ શરૂ કરી છે.









