મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શહેરની ત્રણેય પુસ્તકાલયોમાં વાચકો માટે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવી છે. સાહિત્ય, બાળ સાહિત્ય, નવલકથા, પ્રેરણાત્મક કથાઓ, મનોવિજ્ઞાન, સામાન્ય જ્ઞાન સહિતના ૨૦૦થી વધુ નવા પુસ્તકો દરેક લાઇબ્રેરીમાં ઉમેરાશે, જેના કારણે વાચકોને અવનવા વિષયોના પુસ્તકો વાંચવાની તક મળશે.
મોરબી મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શહેરની પુસ્તકાલયોમાં વાચક રસિકોને વધુ સારો વાંચન અનુભવ મળે તે હેતુથી નવા પુસ્તકોનો સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા કુલ ત્રણ પુસ્તકાલય જેમાં શ્રીમદ રાજચંદ્ર પુસ્તકાલય, ગ્રીન ચોક પુસ્તકાલય અને શ્રી મનસુખલાલ જીવરાજ મહેતા(કેસર બાગ) પુસ્તકાલયનું સંચાલન કરવામાં આવે છે. આ તમામ પુસ્તકાલયોમાં હાલમાં અંદાજે ૨૨,૦૦૦ જેટલા પુસ્તકો વાચકો માટે ઉપલબ્ધ છે. વાંચનપ્રેમીઓની માંગ અને સમય અનુસાર પુસ્તકસંગ્રહને વધુ વિસ્તૃત બનાવવા માટે મહાનગરપાલિકાએ દરેક લાઇબ્રેરીમાં ૨૦૦થી વધુ નવા પુસ્તકો ઉમેરવાનો નિર્ણય લીધો છે. આ નવા સ્ટોકમાં સાહિત્ય, સામાન્ય જ્ઞાન, બાળ સાહિત્ય, નવલકથાઓ, પ્રેરણાત્મક કથાઓ, તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, પ્રાયોગિક વિજ્ઞાન તેમજ આરોગ્ય અને આયુર્વેદ સંબંધિત પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા સાહિત્ય પુસ્તકોમાં ચોથી દિવાલ, સારંગ નારંગીની નવી સફર, અતિ લોભ પાપનું મૂળ, ધમો ધમાલ અને બીજી વાર્તાઓ, મોરના ઈંડા ચીતરવા ના પડે, કથરોટી ગંગા, ઓખા મંડળની લોકકથાઓ સહિતના શીર્ષકો સમાવાયા છે. બાળ સાહિત્યમાં હેલ્ધી કિડ્સ, હાસ્ય રામ, પ્રેરણા જેવા પુસ્તકો રહેશે, જ્યારે પ્રેરણાત્મક અને મનોવિજ્ઞાન ક્ષેત્રે આરોગ્યનો મહાકુંભ, આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતો, મેઘધનુષ્ય- આત્માનો રંગ સહિતના પુસ્તકો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, સામાજિક શાસ્ત્ર, ધર્મ, સામાન્ય જ્ઞાન તેમજ લોકપ્રિય નવલકથાઓ જેમ કે ધી હાર્ટફુલનેસ વે, પોઝિટિવ સોચ, લાઈફમાં મોજ, સાંકડ, એક વાર્તા કહું ને? જેવા પુસ્તકો પણ નવા સ્ટોકમાં સમાવાયા છે. આધુનિક સમયના લોકપ્રિય લેખકોના પુસ્તકો સાથે આ નવો સંગ્રહ ઉમેરાતા મોરબીના રહેવાસીઓ અને નિયમિત વાચકોને વાંચનની દુનિયામાં વધુ અવનવા અને ઉપયોગી પુસ્તકો વાંચવાની તક મળશે, જેનાથી વાંચન સંસ્કૃતિને પણ વધુ પ્રોત્સાહન મળશે.









