મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં સિરામિક કારખાના પાસે કેબીનમાં ઈંડાની સાથે દેશી દારૂનું વેચાણ થતું હોય જેથી દારૂ લેવા ગયેલા મજૂરને ગાળો આપી ઢીકાપાટુ અને લાકડીથી હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. દુકાન ધારક પિતા-પુત્રએ લાકડીઓ ફટકારી મજૂરને પગમાં ઈજા પહોંચડતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે. હાલ આ મામલે આરોપી પિતા-પુત્ર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે.
મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં આવેલ મારબો મેક્સ સિરામિક કારખાનાની કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની અંબારામ ખીમાજી પરમાર ઉવ.૪૨એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ છેલ્લા બે વર્ષથી પરિવાર સાથે કારખાનામાં મજૂરી કોન્ટ્રાક્ટ ચલાવે છે. ગત તા. ૧૫/૦૧/૨૦૨૬ના રોજ સાંજના સમયે તેઓ કારખાનાની બાજુમાં આવેલ ઈંડાની કેબીન પર દેશી દારૂ લેવા ગયા હતા.
ત્યારે ત્યાં હાજર દુકાનદાર આરોપી મહેશભાઈ રહે. જાંબુડીયા વાળાએ દારૂ લેવા અંગે મનાઈ કરી બોલાચાલી શરૂ કરી હતી. વાત વધતા આરોપીએ પીડિતને ગાળો આપી ઢીકાપાટુ માર્યા હતા તેમજ લાકડી વડે જમણા પગે હુમલો કર્યો હતો. ત્યારબાદ આરોપીનો દીકરો ચન્દ્રકાંતભાઈ પણ સ્થળ પર આવી પીડિત સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારે મારની ઘટનાથી ડરી પીડિત પોતાના રૂમમાં જતો રહ્યો હતો અને બાદમાં કારખાનામાં સારવાર લીધી હતી.
માર મારવાની ઘટના અંગે કારખાનામાં વાત કરતા કારખાનાના શેઠ જયભાઈ અને અશોકભાઈ દુકાનદાર આરોપીને સમજાવવા જતા આરોપીઓએ ફરીથી ગાળાગાળી અને ઝઘડો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા, પોલીસે ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.









