મોરબી જીલ્લાના ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકામાં અલગ-અલગ સ્થળે બનેલા બનાવોમાં ચાર લોકોના અકાળે મોત થયા છે. જેમાં કુવામાં પડી ડૂબવાથી, કેનાલમાં ડૂબી જવાથી તેમજ ગળેફાંસો ખાઈ લેતા મોતના બનાવો સામે આવ્યા છે. તમામ મામલે સંબંધિત પોલીસ મથકમાં અ.મોતની નોંધ કરી પોલીસે આગળની તપાસ ચલાવી છે.
મોરબી જીલ્લામાં એક જ દિવસ દરમિયાન ચાર અલગ-અલગ અપમૃત્યુના બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રથમ બનાવમાં ટંકારા તાલુકાના મોટા ખીજડીયા ગામે રહેતા મુળ રહે.પીપેળાગામ તા.ડઇ જી.ધાર રાજ્ય-મધ્યપ્રદેશના વતની કમલસિંગ ગુમાનભાઇ અજનારે ઉવ.૪૦ આર્થિક તંગી અને માતાના અવસાન બાદના ક્રિયાકર્મના ખર્ચાની ચિંતાના કારણે ગત તા.૧૪/૦૧/૨૦૨૬ના રોજ ઘરેથી નીકળી જઈ જુવાનસિંહ ઝાલાની વાડીના પાણી ભરેલા કુવામાં પડી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે ટંકારા પોલીસે અ.મોત નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જ્યારે બીજા અપમૃત્યુના બનાવમાં વાંકાનેર શહેરના પેડક વાડી વિસ્તાર ગાત્રાળ રોડ ખાતે રહેતા કરશનભાઇ બેબાભાઇ સોલંકી ભીલ ઉવ.૪૭ નામના આધેડ માનસિક બીમારીથી પીડિત હોવાનું અને ભિક્ષાવૃત્તિ કરતા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ બે-ચાર દિવસથી ઘરેથી ગાયબ હતા અને પેડક વાડી વિસ્તારમાં આવેલા કુવામાં પડી ડૂબી જતા તેમનું મોત થયું હતું. ત્યારે આ મામલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે.
જ્યારે ત્રીજા બનાવમાં હળવદ તાલુકાના નવા સાપકડા ગામે કડીયાકામે ન જવાથી પિતાએ ઠપકો આપતા પુત્ર નરેશભાઇ અશોકભાઇ પરમાર ઉવ.૨૭ એ પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સમગ્ર મૃત્યુના બનાવમાં હળવદ પોલીસ દ્વારા અ.મોત નોંધી તપાસ ચલાવી છે.
આ ઉપરાંત ચોથા અપમૃત્યુના બનાવ અંગે મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા અમરાપર ગામની સીમમાં જુના અમરાપર પાસે માળીયા બ્રાન્ચ કેનાલમાંથી આશરે ૪૫થી ૫૫ વર્ષની વયના અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. કોઈ કારણસર કેનાલમાં પડી ડૂબી જવાથી મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે લાશની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે અ. મોત રજીસ્ટર કરી તપાસની તજવીજ શરૂ કરી છે.









