લાકડાના ધોકાથી માથામાં ઘા વાગતા યુવાનને પાંચ ટાંકા, માતા-પિતાને પણ મુંઢ ઈજા.
મોરબી તાલુકાના આમરણ બેલા ગામે અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી કુટુંબીજનોએ પરિવાર ઉપર હુમલો કર્યો હતો. ઘટનામાં યુવાનને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે તેના માતા-પિતાને પણ ઈજા પહોંચતા મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી. હાલ તાલુકા પોલીસે ચાર જેટલા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
મોરબી તાલુકાના આમરણ બેલા ગામે રહેતા સલીમભાઈ અકબરભાઈ જામ ઉવ.૨૬ એ આરોપી ઈશાકભાઈ સીદીકભાઈ જામ, આસીનભાઈ ઈશાકભાઈ જામ, સીદીકભાઈ ઈશાકભાઈ જામ તથા તાજમહમંદ ઈશાકભાઈ જામ બધા રહે. આમરણ બેલા ગામ વાળા વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી સલીમભાઈના મામાની દીકરી ફરીદાબાઈ અને આરોપી સીદીકભાઈ બંને પતિ-પત્ની હોય ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હોય જે બાબતે ફરિયાદી સલીમભાઈ ઉપરાણું લઈને ગયા હોય જ્યારે તે બાબતનો ખાર રાખી ગત તા.૧૮/૦૧/૨૦૨૬ના રાત્રે ઉપરોક્ત ચારેય આરોપીઓ ફરિયાદી સલીમભાઈના ઘર બહાર આવી ગાળાગાળી કરવા લાગ્યા હતા. સલીમભાઈ બહાર આવતા જ આરોપીઓએ હુમલો કર્યો હતો. આરોપી ઈશાકભાઈએ લાકડાના ધોકાથી સલીમભાઈના માથામાં ઘા મારતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન આરોપી સીદીકભાઈએ લાકડાના ધોકાથી સલીમભાઈના પિતા અકબરભાઈના હાથના કાંડા અને બાવડામાં ઘા મારી મુંઢ ઈજા કરી હતી. ત્યારબાદ આરોપી આસીનભાઈ, સીદીકભાઈ અને તાજમહમંદભાઈએ વારા ફરતી સલીમભાઈ, તેમના પિતા અકબરભાઈ અને માતા અમીનાબાઈને ઢીંકા-પાટુનો માર મારી ગાળાગાળી કરી હતી. બૂમાબૂમ થતા આજુબાજુના લોકો ભેગા થતાં આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સલીમભાઈના માથામાં પાંચ ટાંકા લેવામાં આવ્યા હોવાનું ડોક્ટરે જણાવ્યું છે, જ્યારે તેમના માતા-પિતાને સારવાર આપી રજા આપવામાં આવી હતી. હાલ તાલુકા પોલીસે સિગારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









