મોરબી તાલુકાના જેતપર-જુના દેવળીયા રોડ ઉપર માર્ગ અકસ્માતમાં ૧૯ વર્ષીય આશાસ્પદ યુવકનું મૃત્યુ નીપજ્યા અંગેની દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ઇકો કારના ચાલકે પોતાની કાર ફૂલ સ્પીડમાં અને બેદરકારી રીતે ચલાવી સામેથી આવતા બાઇકને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો જતો, જે અકસ્માતમાં સીરામીક કારખાને જઈ રહેલ બાઇક ચાલક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી વિગત અનુસાર, માળીયા(મી) તાલુકાના મોટાભેલા ગામે રહેતા ભરતભાઇ મગનભાઈ સરડવા ઉવ.૪૮ એ મોરબી તાલુકા પોલીસ સમક્ષ આરોપી ઇકો કાર રજી.નં. જીજે-૩૬-એએલ-૧૯૦૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં ગત તા.૧૮/૦૧ના રોજ સવારે ફરિયાદી ભરાતભાઈનો પુત્ર મન ભરતભાઇ સરડવા પોતાનું હીરો સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.જીજે-૩૬-એઈ-૨૫૨૫ લઈને લોરેન્સ વિટ્રીફાઇડ સીરામીક કારખાને જઈ રહ્યો હોય તે દરમિયાન જેતપર-જુના દેવળીયા રોડ ઉપર સામેથી પુરપાટ ઝડપે આવતી ઇકો કારના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે ચલાવી સ્પ્લેન્ડર બાઇકને ટક્કર મારી હતી. ત્યારે અકસ્માતમાં બાઇક ચાલક મન સરડવાને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકી નાસી ગયો હતો. હાલ તાલુકા પોલીસે આરોપી ઇકો કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









