ચિફ ઓફિસરના હાથ પગ આંખ કાન કામે વળગી પ્રજાની પરેશાની દુર કરવા અને સરકારી યોજના જનજન સુધી પહોંચાડવા કવાયત કરશે.
રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઠરાવોને આધારે ટંકારા નગરપાલિકા માટે “ક” વર્ગ મુજબના નવા મહેકમ માળખાને મંજૂરી આપવામાં આવી છે. કમિશ્નર, મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી દ્વારા તાજેતરમાં આ અંગેનો સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
ટંકારા નગરપાલિકા માટે વિવિધ શાખાઓમાં કુલ ૯૪ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે. આ મહેકમ માળખાને ૦૯ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ મંજૂરી આપવામાં આવી છે. જેમાં સામાન્ય વહીવટ શાખામાં મુખ્ય અધિકારી સહિત કુલ ૭ પદો, જ્યારે હિસાબી શાખામાં ૪ પદો મંજૂર થયા છે. આરોગ્ય શાખા: સૌથી વધુ ૫૮ જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેમાં ૫૩ સફાઈ કામદારો, સેનેટરી ઇન્સ્પેકટર અને મુકાદમનો સમાવેશ થાય છે. ટેકનિકલ શાખા: શહેરના વિકાસ કામો માટે મ્યુનિસિપલ ઇજનેર (સિવિલ), મદદનીશ ઇજનેર અને વાયરમેન જેવી જગ્યાઓ મંજૂર કરાઈ છે. પાણી પુરવઠા અને ગટર: ડ્રેનેજ સફાઈ માટે વસ્તીના ધોરણે ૨ જગ્યાઓ અને ક્લાર્કની ૧ જગ્યા ફાળવવામાં આવી છે. અન્ય સેવાઓ: ફાયર ઇન્સ્પેકટર, ટાઉન પ્લાનર અને કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરની ૧-૧ જગ્યા મંજૂર કરવામાં આવી છે. વેરા શાખા: ટેક્ષ ઇન્સ્પેકટર અને ક્લાર્ક સહિત કુલ ૪ જગ્યાઓનો સમાવેશ થાય છે. આ નવા મહેકમથી નગરપાલિકાની વહીવટી કામગીરીમાં વેગ આવશે અને નાગરિક સુવિધાઓમાં વધારો થશે.









