મોરબીમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોની હવે ખેર નથી. મોરબીમાં નેશનલ હાઇવે પર એસપીની અધ્યક્ષતામાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો દંડાયા હતા. તેમજ નિયમોનું પાલન કરનારાઓનું ગુલાબનું ફૂલ આપીને સન્માન કરાયું હતું. તેમજ ટુ-વ્હીલર ચાલકોને 100 જેટલા હેલ્મેટનું વિતરણ પણ કરાયું હતું.
મોરબી જિલ્લામાં હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે આજ રોજ જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલની અધ્યક્ષતામાં પોલીસ વિભાગે ટીંબડીના પાટિયાથી લઈ વાંકાનેર સુધીના કુલ 20 પોઈન્ટ ઉપર ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મુકેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં 2025માં 213 જેટલા લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે.
186 જેટલા ફેટલ ઍક્સિડન્ટ નોંધાયા છે. હેલ્મેટ પહેરવામાં આવે તો અકસ્માતમાં જીવ બચી શકે છે. આજની ટ્રાફિક ડ્રાઈવમાં દાતાઓના સહયોગથી ટુ-વ્હીલર ચાલકોને હેલ્મેટ પણ આપવામાં આવી રહ્યા છે. આ સાથે જે લોકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે તેની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
જે તમામ નિયમો પાળીને વાહન લઈને નીકળી રહ્યા છે તેઓનું ડીવાયએસપી ગુલાબ આપી સન્માન કરી રહ્યા છે. વાહનચાલકોને અપીલ છે કે તેઓ પોતાના પરિવાર અને બાળકનું વિચારે. ટ્રાફિક નિયમોનું પાલન કરે અને હેલ્મેટ ખાસ પહેરે. આ ડ્રાઈવમાં ડી.વાય.એસ.પી. જે.એમ. આલ, ટ્રાફિક પી.આઇ. એચ.વી. ઘેલા અને તાલુકા પી.આઈ. એસ.કે.ચારેલ સાહિતનો સ્ટાફ જોડાયો હતો.









