સાયકલ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની યાત્રા દરમિયાન મોરબીમાં મળ્યો આત્મિય સત્કાર.
મોરબી: જર્મનીના નાગરિક કાર્લ વિશ્વભ્રમણ માટે સાયકલ પર નીકળ્યા છે અને ભારત પ્રવાસ દરમિયાન કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સફર કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના પ્રવાસ દરમિયાન તેઓ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા હતા, જ્યાં તેમને રહેવા-જમવાની વ્યવસ્થા સાથે પૂ. જલારામ બાપાના દર્શનનો લ્હાવો મળ્યો હતો.
જર્મનીના નાગરિક કાર્લ વર્લ્ડ ટુરના ભાગરૂપે સાયકલ દ્વારા વિવિધ દેશોની યાત્રા કરી રહ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન તેઓ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લાંબી અને પડકારસભર યાત્રા સાયકલ પર પૂર્ણ કરી રહ્યા છે. ગુજરાતના વિવિધ સ્થળોની મુલાકાત લેતા તેઓ આગળ મહારાષ્ટ્ર તરફ રવાના થવાના છે. કચ્છથી સોમનાથની યાત્રા દરમ્યાન કાર્લ મોરબી સ્થિત શ્રી જલારામ ધામના મહેમાન બન્યા હતા. આ સાથે ઉત્તર પ્રદેશના આશીષ કુમાર નામના ભારતીય ગાઇડ પણ તેમની સાથે જોડાયા હતા. મોરબી જલારામ ધામ દ્વારા વિદેશી મહેમાન માટે રહેવા તથા જમવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
કાર્લે પૂજ્ય જલારામ બાપાના દર્શન કરી આત્મ શાંતિ અને ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મોરબી શ્રી જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ દ્વારા તેમને પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર તેમજ જલારામ ધામના સેવાકાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. આ અવસરે મોરબી શ્રી જલારામ સેવા મંડળના નિર્મિતભાઈ કક્કડ, ભાવીનભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, અનીલભાઈ ગોવાણી, રાજભાઈ સોમૈયા સહિતના આગેવાનોએ વિદેશી મહેમાનનું સ્વાગત કરી ભારતીય સંસ્કૃતિની મહેમાનગતિનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.









